• શુક્રવાર, 10 જાન્યુઆરી, 2025

તિરુપતિ મંદિર પરિસરમાં ભાગદોડ : 6ના મૃત્યુ

ટિકિટ બુકિંગ કાઉન્ટર પાસે હજારો દર્શનાર્થીઓની ભીડ વચ્ચે દુર્ઘટના: અનેક ઘાયલ

તિરુમાલા, તા.8 : આંધ્રપ્રદેશના વિખ્યાત તિરુપતિ મંદિર પરિસરમાં બુધવારે વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કેન્દ્ર પાસે ભાગદોડ મચી જતાં પ્રાથમિક અહેવાલ મુજબ એક મહિલા સહિત 6 શ્રદ્ધાળુના મૃત્યુ થયા છે જ્યારે અનેકને ઈજા પહોંચી છે. મંદિર ખાતે સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ હતી અને ટિકિટ માટે કતારમાં ઉભા હતા. અફરાતફરીના માહોલ વચ્ચે અચાનક ધક્કામુક્કી બાદ ભાગદોડ મચી હતી. બનાવ વખતે 4000 લોકો ટોકન માટે કતારમાં ઉભા હતા.

હજારો શ્રદ્ધાળુઓ વૈકુંઠ દ્વારા દર્શનનાં ટોકન માટે તિરુપતિનાં વિભિન્ન ટિકીટ કેન્દ્રો ઉપર કતારમાં ઉભા હતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. આમાં આ ભાગદોડ ત્યારે મચી જ્યારે લોકોને બૈરાગી પટ્ટીડા પાર્કમાં કતાર લગાવવાની અનુમતિ આપવામાં આવી હતી.

ગુરૂવારથી તિરુપતિના નવ કેન્દ્રોમાં 94 કાઉન્ટરના માધ્યમથી વૈકુંઠ દર્શન ટોકન જારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે બુધવારે સાંજથી જ ટોકન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ટીટીડીએ 10,11 અને 12  જાન્યુઆરીના રોજ વૈકુંઠ દ્વાર દર્શનના પહેલા ત્રણ દિવસ માટે ગુરૂવારે સવારથી 1.20 લાખ ટોકન જારી કરવાનો નિર્ણય લીધો હતો.

પોલીસ તથા વ્યવસ્થાપકો તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને સ્થિતી કાબૂમાં લીધાનો દાવો કરાયો છે. મંદિર સમિતિના ચેરમેન બીઆર નાયડૂએ ભાગદોડની ઘટનાને પગલે તાકીદની બેઠક યોજી હતી. દરમિયાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ તિરુપતિમાં વિષ્ણું નિવાસમ પાસે તિરુમાલા શ્રીવારી વૈકુંઠ દ્વાર પાસે થયેલી ભાગદોડમાં શ્રદ્ધાળુઓની જાનહાનિ ઉપર ઘેરું દુ:ખ પ્રગટ કર્યુ હતું.

 

ઇ-પેપરના નવા શુલ્ક