• ગુરુવાર, 09 જાન્યુઆરી, 2025

સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર યથાવત : રાજકોટ 9.8 ડિગ્રી

રાજ્યના મોટાભાગના શહેરમાં બર્ફીલા પવનો સાથે કડકડતી ઠંડીનો અનુભવ

            નલિયા 6.2 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

રાજકોટ, તા.7 : ગુજરાતમાં 2-4 દિવસથી ઠંડીથી રાહત મળ્યા પછી ફરી એકવાર કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોલ્ડ વેવની અસર પણ જોવા મલ રહી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 13-14 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વહેલી સવારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં આજરોજ પણ તીવ્ર ઠંડીનું જોર અને ઠંડા પવનો યથાવત રહ્યા હતા. રાજકોટ અને નલિયામાં આજે પણ સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાયું હતું. નલિયામાં 6.2 ડિગ્રી અને રાજકોટમાં 9.8 ડીગ્રી લઘુતમ  તાપમાન નોંધાયુ હતું. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી રાજ્યમાં કડકડતી ઠંડી પડશે, આ સાથે જ તાપમાન 3 ડિગ્રી સુધી ઘટી પણ શકે છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થતાં જન જીવન ઉપર સીધી અસર વર્તાઈ રહી છે, ચાર દિવસ સુધી ઠંડીમાં ઘટાડો નોંધાતા લોકોમાં ભારે રાહત હતી પરંતુ ચાર દિવસના બ્રેક બાદ ફરી ઠંડી શરૂ થતાં માનવ જીવ સાથે પશુઓ પણ ધ્રુજી ઉઠયા છે. કડકડતી ઠંડીના કારણે લોકો રાત્રે તાપણાં કરી ઠંડીથી બચી રહ્યા છે. લોકો એ કરેલ તાપણાંમાં મોડી રાત્રે ગાયો અને શ્વાન પરિવાર તાપણાં નજીક બેસી સૂસવાટા મારતા પવન સાથે કડકડતી ઠંડીથી બચવા જાણે પ્રયાસો કરી રહ્યા હોય તેવું દૃશ્ય માળિયામિંયાણાના વેજલપર ગામે જોવા મળ્યું હતું.  લોકો સાથે પશુઓનો પણ  આ પ્રકારે ઠંડીથી બચવા તાપણું કરવાનો નિત્યક્રમ બની ગયો છે. 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે રાજ્યમાં ઠંડીમાં આંશિક વધારો થઈ શકે છે. આગામી કેટલાક દિવસોમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના તાપમાનમાં ઘટાડો થવાનું કહેવાઈ રહ્યું છે. હાલમાં ઉત્તર-પૂર્વથી પવનો ફુંકાઈ રહ્યા છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે સવાર અને સાંજે ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક