- સૂચના આયોગોમાં ખાલી પદો મુદ્દે સર્વોચ્ચ અદાલતની આકરી ટિપ્પણી : રાજ્યોને 8 સપ્તાહમાં નિમણૂકો માટે આપ્યો આદેશ
નવી
દિલ્હી, તા.8: કેન્દ્રીય માહિતી પંચમાં ખાલી પદો ઉપર ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે
બેહદ આકરી ટિપ્પણી કરતાં કહ્યું છે કે, માહિતી અધિકારનાં કાયદા(આરટીઆઈ)ને બેકાર કરવામાં
આવી રહ્યો છે.
સુપ્રીમ
કોર્ટે કહ્યું હતું કે, આરટીઆઈને નકામો કરી શકાય નહીં. માહિતી આયોગોને નિક્રીય રાખીને
આવું થવા દઈ શકાય નહીં. અંજલિ ભારદ્વાજ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની વકાલત માટે
અદાલતમાં પેશ થયેલા અધિવક્તા પ્રશાંત ભૂષણે માહિતી આયોગોની ખરાબ હાલત વિશે જાણકારી
આપી ત્યારે કોર્ટે આ ટિપ્પણીઓ કરી હતી.
પ્રશાંત
ભૂષણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનાં 2019નાં ફેંસલામાં મુખ્ય માહિતી કમિશનર અને
માહિતી કમિશનરોની નિયુક્તિ માટે વિસ્તૃત સમય મર્યાદા અને પારદર્શક પ્રક્રિયા નિર્ધારિત
કરવામાં આવી હતી પણ આ આદેશને લાગુ કરવાનાં બદલે ખાલી પદોની હાલત તો વધુ બદતર થઈ ગઈ
છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ આરટીઆઈની અમલવારીમાં નિરુત્સાહી વલણ અપનાવ્યું છે. આ
ખાલી પદોનાં હિસાબે જ કોઈ જાણકારીઓ નાગરિકો સુધી પહોંચી રહી નથી. બધા આરટીઆઈને ખતમ
કરી નાખવાની ફિરાકમાં છે. કેન્દ્રીય સૂચના આયોગ(સીઆઈસી)માં કમિશનરોની નિયુક્તિ અને
નિમણૂકની પ્રક્રિયા પૂરી કરવામાં કેન્દ્ર સરકારનાં સુસ્ત અભિગમ સામે વાંધો વ્યક્ત કરતા
ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને એન.કે.સિંહની પીઠે કેન્દ્ર સરકારને બે અઠવાડિયાની અંદર ખાલી
પદો ભરવા માટેની અવધિ જણાવવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, કાયદા અંતર્ગત
એક સંસ્થા બનાવીને પછી તેને કાર્યરત નહીં રાખવાનો ફાયદો શું?
આ સાથે
જ કોર્ટે તમામ રાજ્યોને એક અઠવાડિયામાં સીઆઈસી અને આઈસીનાં પદો માટે ઉમેદવારોની સૂચિ
પ્રકાશિત કરવા અને ત્યારબાદ એક સપ્તાહમાં પસંદગીનાં માપદંડ સાથે પસંદગી સમિતિની સંરચના
કરવા આદેશ આપ્યો છે. આ પછી છ અઠવાડિયામાં ઈન્ટરવ્યૂ પૂરા કરીને પછીનાં બે સપ્તાહમાં
જ નિયુક્તિઓ કરી નાખવાનો નિર્દેશ આપ્યો છે. તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને આઠ અઠવાડિયા
બાદ સુપ્રીમનાં આદેશનાં અનુપાલનનો રિપોર્ટ આપવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે.