ગઢડા 4, જેતપુર 2.5, તાલાલા-ઉના
2, સુત્રાપાડા 1.75, ભાણવડ-કલ્યાણપુર-તાલાલા 1.5, ડોળાસા 1.25, ધોરાજી- કોડિનાર-ગીર
ગઢડા-વિંછિયા 1, સોમનાથ 0.5 ઇંચ વરસાદ
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, તા.16: સૌરાષ્ટ્રના મોટાભાગના
વિસ્તારમાં આજે મેઘરાજાની પઘરામણી થતા જગતાત ખુશખુશાલ થઇ ગયો છે. ચોમાસાની શરૂઆત જ
સારી થઇ છે અને વાવણીલાયક વરસાદ થયો છે. આજે જેતપુર 2.5, તાલાલા-ઉના 2, સુત્રાપાડા
1.75, ભાણવડ-કલ્યાણપુર-તાલાલા 1.5, ડોળાસા 1.25, ધોરાજી- કોડિનાર-ગીર ગઢડા-વિંછિયા
1, સોમનાથ 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદની આગાહીના પગલે વાવણી લાયક આવો વરસાદ થતાં
ખેડૂતો દ્વારા વાવણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.
જેતપુર: શહેરમાં આજે સવારથી જ
મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઇ હતી. સાંજ સુધીમાં 64 મીમી વરસાદ વરસતા ઠંડક પ્રસરી ગઇ
હતી. આજુબાજુના ગામમાં પણ સારો વરસાદ પડયો હતો.
વેરાવળ: જીલ્લાના છએય તાલુકાઓમાં અડધોથી લઈને બે ઈંચ સુધી
વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ
ઉનામાં બે ઇંચ અને વેરાવળ સોમનાથમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે તાલાલામાં દોઢ
ઈંચ, સુત્રાપાડામાં પોણા બે ઈંચ, કોડીનારમાં એક ઈંચ અને ગીરગઢડામાં એક ઈંચ જેવો સારો
એવો વરસાદ વરસ્યો હતો.
જામ ખંભાળીયા: શહેરમાં ઘણા સમયથી
ગરમી અને બફારોની સ્થિતિ વચ્ચે ગઈકાલે આકાશ વાદળોથી છવાયેલું હતું. પરંતુ ખંભાળીયામાં
ગઈકાલે નજીકના ગામોમાં 3થી 4 ઇંચ ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજ સવારથી ખંભાળિયા
શહેર અને આજુબાજુ વિસ્તારમાં વરસાદી માહોલ સાથે છુટા છવાયા ઝાપટા શરૂ થયા છે. આજે ભાણવડમાં
સાંજે ચાર વાગ્યા સુધી 40મીમી, કલ્યાણપુર 34મીમી વરસાદ થયો છે.ખંભાળીયા તાલુકાના પોરબંદર
તથા ભાણવડ રોડ પરના કેટલાક ગામોમાં સતત બે કલાક અત્યંત ભારે વરસાદ પડતાં ત્રણથી ચાર
ઇંચ સુધીનો વરસાદ પડતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.
ધોરાજી: આજે સતત ત્રીજા દિવસે
મેધમહેર જોવા મળી હતી. 1 ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
તાલાલા: ગત રાતથી ધીમીધારે મેઘરાજાની
મંગલ સવારીનું આગમન થતાં તાલાલા પંથકના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. શહેર ઉપરાંત પંથકના
મોટાભાગના ગામડામાં વરસી રહ્યો છે અત્યારે આખા તાલાલા પંથકમાં સર્વત્ર વરસાદી માહોલ
છવાયું છે.તાલાલા પંથકમાં ધીમીધારે અવિરત વરસાદ પડી રહ્યો હોય લોકોને ગરમીમાં રાહત
મળી છે.
બોટાદ: આખો દિવસ ઉકળાટ વચ્ચે
બપોર બાદ ઝરમર સાથે સાંજના સમારે અકાએક મેઘરાજા મનમૂકીને વરસતા રસ્તાઓ પર પાણી ફરી
વળ્યા હતા. શહેરની મધ્યમાંથી પસાર થતી ઉતાવળી અને મઘુ નદીમાં નવા નીર આવ્યા હતા.
ગઢડા: સાંજે પાંચ વાગ્યાથી વિધિવત્
ચોમાસાનુ આગમન થતા સતત હળવાથી ભારે વરસાદ શરૂ રહ્યો હતો અને ચાર ઈંચ જેટલો નોંધાયો
હતો. શહેર ઉપરાંત અનેક ગામડાઓમાં વરસાદના પગલે સારા ચોમાસાની આશા વચ્ચે લોકોએ વરસાદના
આગમનને વધાવ્યું હતુ. સમઢિયાળા ગામમાં એક ખેતરમાં વીજળી વડતા ગાયનું મોત થયું હતું.
ડોળાસા: આજે વહેલી સવારના ચાર
વાગ્યાથી ધીમી ધારે વરસાદ ચાલુ થયું હતો. જે સાંજના ત્રણ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો.
આ દરમ્યાન 30 મી.મી.વરસાદ થયો છે. ડોળાસા વિસ્તાર ના અનેક ખેડૂતોએ માવઠા વખતે પાંચ
ઇંચ વરસાદમાં મગફળી નું વાવેતર કરી દીધુ હતુ. સમય સર વરસાદ આવી જતા મગફળી ના પાક ને
જીવતદાન મળ્યું છે.
લીલાખા: ગત રોજ 3 ઇંચ જેટલો વરસાદ
વરસતા ખેડૂતોએ વાવણી કરી હતી. જેના ઉપર આજે આખો દિવસ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.
વિંછીયા: આજે સાંજના એક ઇંચ જેટલો
વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
પોરબંદર: સવારથી વરસાદી વાતાવરણ
વચ્ચે સાંજ સુધીમાં પોરબંદર પંથકમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
વાસજાળિયા : સાંજ સુધીમાં વાવણીલાયક
બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.