• મંગળવાર, 17 જૂન, 2025

આ યુદ્ધનો યુગ નથી : મોદી

સાઈપ્રસ મુલાકાતે પશ્ચિમ એશિયા અને યુરોપમાં જારી સંઘર્ષ મુદ્દે ચિંતા વ્યક્ત કરી

સાઈપ્રસે પીએમ મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન

નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાઈપ્રસના નિકોસિયા સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સાઈપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાઈડ્સના નિમંત્રણ ઉપર પીએમ મોદી સાઈપ્રસની મુલાકાતે પહોંચ્યા હતા. છેલ્લા બે દશકમાં આ કોઈ ભારતીય પીએમની પહેલી સાઈપ્રસ યાત્રા છે. પીએમ મોદીએ નિકોસિયામાં રાષ્ટ્રપતિ ક્રિસ્ટોડોલાઈડ્સ સાથે વાતચીત કરી હતી. આદરમિયાન પીએમ મોદી અને સાઈપ્રસના રાષ્ટ્રપતિએ પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આ યુગ યુદ્ધનો નથી.

પીએમ મોદીએ સુરક્ષા પરિષદમાં ભારતના સ્થાયી સભ્યપદનું સમર્થન કરવા બદલ સાઈપ્રસનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ચાલુ વર્ષે ભારત-સાઈપ્રસ-ગ્રીસની ભાગીદારી શરૂ થઈ ચુકી છે. ભારત-પશ્ચિમ એશિયા-યુરોપ આર્થિક કોરિડોર આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બનાવશે. જ્યારે સાઈપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સે કહ્યું હતું કે પીએમ મોદી સાથે વિભિન્ન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સંબંધો અને તાલમેલને વધારવાની ચર્ચા કરી હતી. રક્ષા સહયોગ, સંકટ પ્રબંધન, પર્યટન, નવાચાર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઉપર કામ કરવા ઈચ્છા વ્યક્ત કરી છે. સાથે મળીને કામ કરવા ઉપર સહમતિ બની છે.

પીએમ મોદી અને સાઈપ્રસના રાષ્ટ્રપતિએ પ્રતિનિધિમંડળ સ્તરે વાતચીત કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે સીમા પાર આતંકવાદ સામે ભારતની લડાઈમાં સાઈપ્રસના નિરંતર સમર્થન માટે આભારી છે. આતંકવાદ, ડ્રગ્સ અને હથિયારોની તસકરી રોકવા માટે બન્ને દેશની એજન્સીઓ વચ્ચે વાસ્તવિક સમયમાં સુચનાના આદાન પ્રદાન માટે એક તંત્ર પણ વિકસીત કરવામાં આવશે. આ દરમિયાન સાઈપ્રસના રાષ્ટ્રપતિએ અમદાવાદ વિમાન દુર્ઘટના મુદ્દે દુ:ખ વ્યક્ત કર્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક