નાવલી, ફલકુ, મેરામણ સહિતની સ્થાનિક
નદીમાં ઘોડાપૂર, નદીઓના પાણી ગામમાં ઘૂસ્યા, ચેકડેમ છલકાયા, ખેતરોમાં પાણી ભરાયા
સાવરકુંડલા 9, રાજુલા 7.50, અમરેલી
6, લિલિયા 5.50, ખાંભા 4, બગસરા-મતિરાળા 2, વડિયા-ધારી-જાફરાબાદ-બાબરા 1.5, લાઠી 1.25
ઇંચ વરસાદ
રાજુલાનો ધાતરવડી ડેમ-1 ઓવરફલો,
ધાતરવડી ડેમ-2ના 16 દરવાજા ત્રણ-ત્રણ ફૂટ ખોલાયા
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, અમરેલી તા.16: ગુજરાતમાં
ચોમાસાની પઘરામણી થઇ છે ત્યારે આજે ચોમાસાના પહેલા વરસાદમાં જ અમરેલી પંથક જળબંબાકાર
થયો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ
પડ્યો છે. સાવરકુંડલા 9, રાજુલા 7.50, અમરેલી 6, લિલિયા 5.50, ખાંભા 4, બગસરા-મતિરાળા
2, વડિયા-ધારી-જાફરાબાદ-બાબરા 1.5, લાઠી 1.25 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય
વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દૃશ્યો જોવા મળ્યા
હતા. નાવલી, ફલકું સહિતની સ્થાનિક નદીઓમા ંઘોડાપૂર આવતા અનેક ગામડાઓમાં કેડસમા પાણી
ભરાયા હતા.
અમરેલી શહેરમાં સવારથી જ ધીમીધારે
વરસાદ શરૂ થયા બાદ બપોરથી અનરાધાર વરસાદ શરૂ થતાં મુખ્ય બજારો ભીડભંજન ચોક, રાજકમલ
ચોક, સરદાર સર્કલ પાણીમાં ગરકાવ થયા હતા. જ્યારે શહેરના નિચાણવાળા વિસ્તારો પાણી પાણી
થઇ ગયા હતા. તેમજ શહેરની ભાગોળે અને કામનાથ મહાદેવ નજીક આવેલા કામનાથ સરોવર છલકાયા
જતા આ નજારો જોવા શહેરીજનો ઉમટી પડયા હતા.
લીલીયા પંથકમાં પણ અનરાધાર વરસાદ પડ્યો હતો. લીલીયા
તાલુકાના ભોરીગડા ગામમાં કોઝવે બનાવવામાં આવી રહ્યો હોવાથી ત્યાં ડાયવર્ઝન કરવામાં
આવ્યો છે. આ ડાયવર્ઝનમાં વરસાદી પાણી ભરાઈ જવાથી અમરેલીથી ગારિયાધાર જઈ રહેલી એક એસ.ટી.બસ
પાણીમાં ફસાઈ જવા પામી હતી. જેમાં બેસેલા 20 જેટલા મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં
આવ્યા હતા. લીલીયાના ભોરીંગડા ગામે નદીના પાણી ગામમાં ઘુસી જવા પામ્યા હતા. જ્યારે
નાના લીલીયાથી લોકી જવાનો માર્ગ તથા શેઢાવદરથી લીલીયા જવાનો માર્ગ બંધ થયો હતો અને
નાના લીલીયા ગામમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા.
રાજુલાના આગરીયા જકાત નાકા પાસે
પૂરની સ્થિતિ સર્જાઈ. ઈલેક્ટ્રીક પોલ પડી જતા વાયર રોડ ઉપર આવતા રસ્તામાં ટ્રાફિક થયો
હતો. ધાતરવડી ડેમના પાણીમાં 3 ભેંસ તણાઈ હતી. સમગ્ર રાજુલા શહેરમાં વીજળી પુરવઠો ખોરવાયો.
પીજીવીસીએલ ની ટીમ ઘટના સ્થળે દોડી કામગીરી શરૂ કરી. રાજુલાના ધારેશ્વર ગામ નજીક આવેલો
ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ધાતરવડી ડેમ-1 ઓવરફ્લો થયો.
તાલુકાના નાના રીંગણીયાળા ગામમાં જળબંબાકાર. ચારે તરફ બસ પાણી જ પાણી. ગામમાં અવર-જવરનો
માર્ગ બંધ થયો. તાલુકાના ધાતરવડી ડેમ-2 માં
20,000 ક્યૂસેક પાણીની આવક થઈ. જેથી એક સાથે 16 દરવાજા ત્રણ-ત્રણ ફૂટ ખોલાયા હતા. નીચાણવાળા
ગામડાને એલર્ટ કરાયા છે.
સાવરકુંડલા શહેરમાં અનરાધાર વરસાદ પડતા સાવરકુંડલાની
નાવલી નદીમાં આવ્યું પૂર આવતાં નાવલી નદી ચોમાસાના પ્રથમ વરસાદે બે કાંઠે વ્હેતી થઈ
હતી. જ્યારે વીરડી ગામે ભારે વરસાદ પડ્યો છે. ખાંભા શહેર સાથે ગીરના ગામોમાં ભાવરડી,
ડેડાણ, માલકનેસ ગામોમાં વરસાદમાં વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
લુવારા ગામે સૂરજવડી નદી ઉપર આવેલા સૂરજવડી ડેમમાં પાણીની આવક થતા ઓવરફલો થયો છે.
ધારી શહેર સહિતના મોરજર, ખીચા,
વીરપુર, દૂધાળા, પાતળા સહિતના ગામોમાં સવારથી ધીમીધારે વરસાદ શરૂ થવા પામેલ છે. ધારીના
અમરેલી માર્ગ પર સુરતથી ધારી આવતી ખાનગી બસ રોડની સાઈડમાં ઉતરી જતા અક્સ્માત સર્જાયો
હતો. આ બસમાં રહેલા 20 જેટલા મુસાફરોનો થયો બચાવ આબાદ થયો હતો.
અમરેલી જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમ
ખાતે સાંજે 8 વાગ્યા સુધીમાં કુંકાવાવ-વડીયામાં 42 મી.મી, બાબરામાં 23 મી.મી, લાઠી
31 મી.મી, લીલીયા 138 મી.મી, અમરેલી 150 મી.મી, બગસરા 48 મી.મી, ધારી 40 મી.મી, સાવરકુંડલા 231 મી.મી, ખાંભા 103 મી.મી, જાફરાબાદ
43 મી.મી, જ્યારે રાજુલા 188 મી.મી વરસાદ નોંધાયો છે.
રાજુલામાં ધસમસતા પ્રવાહમાં
25 જેટલા ઘેટા તણાયા
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી
લોકોની મુશ્કેલી વધી રહી છે. રાજુલાના હડમતીયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહમાં
25 જેટલા ઘેટા તણાયા. ભારે વરસાદના લીધે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ. 25 જેટલા ઘેટા-બકરા
તણાયા હતા. સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું.