(ફૂલછાબ ન્યુઝ)
અમદાવાદ,
તા.8: ગુજરાત એટીએસએ બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે.
એટીએસએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જે યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો
પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.
ઝડપાયેલા
આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર ગજ્જર અને તબરેજ કાશ્મીરનો સમાવેશ
થાય છે. આ ગેંગે મુખ્યત્વે લકઝમબર્ગના બોગસ વિઝા બનાવીને 43 જેટલા લોકોને છેતર્યા હોવાનું
સામે આવ્યું છે. આરોપીઓ દરેક વ્યક્તિ પાસેથી 8 થી 10 લાખ રૂપિયા વસૂલતા હતા.
ગુજરાત
એટીએસએ આ અંગે ગુનો નેંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સામેલ
છે કે, કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ બાદ અન્ય બોગસ વિઝા કૌભાંડોનો
પણ પર્દાફાશ થવાની શક્યતા છે. એટીએસને મળેલી બાતમી આધારે આ સમગ્ર તપાસ શરૂ કરવામાં
આવી હતી. બાતમી આધારે પોલીસે મયંક અને તેજેન્દ્ર ગજ્જરને પૂછપરછ માટે બોલાવ્યા હતા.
પૂછપરછ
દરમિયાને બન્નેએ કબૂલ્યુ કે, તેમણે મનીષ પટેલ મારફતે પાંચ વ્યક્તિઓને લકઝમબર્ગના નકલી
વિઝા અપાવ્યા હતા, જેના બદલામાં તેમણે મોટી રકમ લીધી હતી. આ નકલી વિઝાનું કામ મનીષ
પટેલ મુંબઈના તબરેજ કશ્મીરી પાસે કરાવતો હતો.
તપાસ
દરમિયાન એટીએસ દ્વારા ભોગ બનનાર પાંચ વ્યક્તિઓના વિઝાની ખરાઈ માટે લકઝમબર્ગની એમ્બીસીનો
સંપર્ક કરવામાં આવ્યો હતો. એમ્બેસીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ તમામ વિઝા નકલી છે અને
તેમની એમ્બેસી દ્વારા ઈશ્યુ કરવામાં આવ્યા નથી. આ પાંચેય વ્યક્તિઓએ અગાઉ પણ વિઝા માટે
અરજી કરી હતી, જે નોકરીના ખોટા દસ્તાવેજોને કારણે નાંમજૂર કરવામાં આવી હતી.
આ પાંચ
કેસ ઉપરાંત પોલીસની પૂછપરછમાં આરોપીઓના મોબાઈલ ફોનમાંથી અન્ય 39 લોકોના બોગસ વિઝા બનાવ્યા
હોવાનું પણ બહાર આવ્યું છે. આ ગુનાહિત કાવતરામાં આર્થિક ફાયદા માટે લોકો સાથે છેતરપિંડી
કરવાનો મુખ્ય ઉદેશ્ય હતો, જે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગંભીર ગુનો ગણાય છે. આ ગંભીર
ગુનામાં એટીએસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.