પારિવારિક અને રાજકીય કાવાદાવા કરી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના અન્ય કાર્યકર્તાઓ ઉપર પણ દબાણ લાવવામાં આવતું હોવાનો આક્ષેપ
ગોંડલ તા.9 : ગોંડલ હિન્દુ વિશ્વ
પરિષદના પ્રમુખ પિયુષ લાલજીભાઈ રાદડીયાએ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ કનુભાઈ
કાલુને પ્રમુખપદેથી સ્વૈછીક રાજીનામુ આપી પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાના માનસિક
દબાણથી રાજીનામું આપવા ફરજ પાડયાનો આક્ષેપ કર્યો છે.
પિયુષ રાદડિયાએ જણાવ્યું છે કે,
હું છેલ્લા 6 માસથી ગોંડલ શહેર વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવું
છું અને સમાજ સેવા માટે કાર્યરત છું. મારી નિમણૂંક થઈ તે સમયથી જ નિમણૂંક માટે મારા
નામની દરખાસ્ત મૂકનારા ગોંડલના હિરેનભાઈ ડાભી ઉપર અમારા રાજકીય હરીફ એટલે પૂર્વ ધારાસભ્ય
જયરાજસિંહ જાડેજા દ્વારા પારિવારિક તથા રાજકિય કાવાદાવા કરી અતિશય દબાણ લાવી અમને આ
જવાબદારીમાંથી રોકવા માટે પ્રયત્નો કરવામાં આવ્યાં છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે,
હિરેનભાઈ અને ગોંડલના જ વિશ્વ હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં નિષ્ઠાપૂર્વક
વર્ષોથી જવાબદારી નિભાવતા ધર્મેન્દ્રભાઈ રાજાણી ઉપર પણ એનકેન પ્રકારે દબાણ લાવી મને
અધ્યક્ષ તરીકેના હોદા ઉપરથી દૂર કરવા માટે એનકેન પ્રકારે કાવતરા કરવામાં આવ્યાં હતાં.
હનુમાન જયંતિ જેવા ધાર્મિક પર્વમાં પણ રાજકારણ લાવી હનુમાન જયંતીની શોભાયાત્રામાં જો
મારી હાજરી હશે તો પૂર્વ ધારાસભ્ય કે તેમના પરિવારમાંથી કોઈપણ વ્યક્તિ હાજર નહીં રહે
તે રીતે વ્યક્તિગત રીતે વિરોધ કરી ગોંડલ વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના હોદેદારો
તથા કાર્યકર્તાઓ ઉપર દબાણ લાવવામાં આવ્યું હતું.
હવે આ ગોંડલ શહેરના વિશ્વ હિન્દુ
પરિષદના અધ્યક્ષ તરીકે રહેવાથી હિરેનભાઈ ડાભી, ધર્મેન્દ્રભાઈ રાજાણી તથા ગોંડલ વિશ્વ
હિન્દુ પરિષદના હોદેદારો તથા કાર્યકર્તાઓને પણ માનસિક દબાણમાં રહેવું પડતું હોવાથી
વિશ્વ હિન્દુ પરિષદના ગોંડલ શહેર પ્રમુખ તરીકેના હોદ્દા ઉપરથી સ્વૈચ્છિક રાજીનામુ આપું
છું જેને મંજૂર કરવા અનુરોધ છે.