• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

રાજકોટથી સોમનાથ જતા પાંચ મિત્રોની કારનો જૂનાગઢ પાસે અકસ્માત, બેના મૃત્યુ ત્રણ પૈકી બેની હાલત ગંભીર : બેદરકારી સબબ ડમ્પર ચાલક સામે ગુનો

જૂનાગઢ, તા.12: જૂનાગઢના નવા બાયપાસ ઉપર વધાવી ગામના પાટીયા પાસે બ્રિજ નીચે ઉતરતા પાર્ક કરેલ ડમ્પર પાછળ કાર ધડાકાભેર અથડાતા કાર ચાલક સહિત બેના મૃત્યુ નિપજ્યા છે જ્યારે બેને ગંભીર ઇજા  પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.આ અંગેની વિગત પ્રમાણે રાજકોટના 80 ફૂટ રોડ ઉપર રહેતા અને કારખાનામાં નોકરી કરતા ઉમેશ  હરિલાલ પરમાર તથા તેના મિત્રો ભાર્ગવ ચમનભાઇ ભીમાણી, કેયુરભાઇ વશરામ વાંસજાળીયા, શિવમ કાંતિભાઇ બોળા અને સાવન પ્રવિણ ભાલોડીયા કંપનીની અટીગા લઇને રાજકોટથી રાત્રીના સોમનાથ જવા નીકળ્યા હતા. કાર સાવન  ભાલોડીયા ચલાવતો હતો. તેની બાજુમાં શિવમ કાંતિભાઇ બેઠેલા હતા. પાછળની સીટમાં કેયુરભાઇ ભાર્ગવભાઇ અને છેલ્લે ઉમેશ પરમાર બેઠા હતા. રાત્રીના અઢી વાગ્યાના સુમારે જૂનાગઢના બાયપાસ ઉપર વધાવીના પાટીયા પાસે બ્રિજ નીચે કાર ઉતારી હતી.

ત્યાં રસ્તાની સાઇડમાં ડમ્પર પાર્ક કર્યું હતું. તેમાં રેડિયમ પટ્ટા કે બ્રેકલાઇટ ચાલુ ન હોય તેથી કાર ધડાકાભેર ડમ્પરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સમાં જૂનાગઢ સિવિલમાં ખસેડાયા હતા. ફરજ ઉપરનાં ડોકટરે કેયુર વશરામ વાંસજાળીયા અને શિવમ કાંતિભાઇને તપાસી મૃત જાહેર કર્યા હતા.જ્યારે અન્ય ત્રણેયને દાખલ કરાયા છે. તેમાં બેની હાલત ગંભીર ગણાવાય રહી છે, આ અંગે કારના માલિકને જાણ કરતા પ્રભુલાલ જૂનાગઢ દોડી આવ્યા હતા. આ અંગે તાલુકા પોલીસે ઉમેશ હરિલાલ પરમારની ફરિયાદ આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ સોમનાથ દર્શને જઇ રહેલાઓને રસ્તામાં કાળનું તેડું આવતા અરેરાટી પ્રસરી ગઇ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક