પ્રેમીકા અને તેના મિત્રે બ્લેકમેલ કરી 80 લાખ પડાવી લીધા, સ્યુસાઇડ નોટ આધારે 6 સામે ગુનો
મોરબી,
તા.12: મોરબીના સિરામિક ઉદ્યોગપતિએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો
છે. તેઓએ સ્યુસાઇડ નોટમાં 4 પાર્ટનર, પ્રેમિકા તથા તેના મિત્ર મળી 6 લોકોના ત્રાસથી
આ પગલું ભર્યુ હોવાનું લખ્યું છે. એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી
હાથ ધરી છે.
પ્રાપ્ત
વિગતો અનુસાર રવાપરમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં આવેલ એકતા પેલેસમાં રહેતા અશોકભાઇ
નાનજીભાઇ પાડલીયા કે જેઓ લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્લેર સિરામિકના પાર્ટનર હતા. તેઓએ
તા.11 ઓગસ્ટના રોજ બપોરે ઝેરી દવા પી લીધી હતી. જેથી તેઓને 108 મારફત મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક અશોકભાઇએ સ્યુસાઇડ નોટમાં
6 લોકોના ત્રાસથી આપઘાતનું પગલું ભર્યુ હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.
એ-ડિવિઝન
પોલીસે મૃતકના સાળા તથા બનેવી થતા પ્રકાશભાઇ કુંવરજીભાઇ ભાડજા રહે. ઉમિયાનગર ગામ તા.
ટંકારાવાળાની ફરિયાદ પરથી 6 લોકો સામે ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં જણાવાયું હતું
કે અમીતભાઇ વશરામભાઇ ચારોલા, ભાવેશભાઇ બાબુભાઇ
વીડજા, બીપીનભાઇ મનસુખભાઇ દેત્રોજા, મનોજભાઇ હરખાભાઇ સાણંદીયા આ ચારેય પાર્ટનરે
અશોકભાઇની જાણ બહાર તેમના નામે રો- મટિરિયલ્સ મંગાવી ઉત્પાદન વેચી તેના નાણાનો ભાગ
પાડી લીધો હતો. ઉપરાંત સિરામિક એકમ ખોટમાં જતા હિસાબ કરતા અંદાજે રૂ.5 કરોડનું દેણું
થઇ ગયું હોવાનું સામે આવ્યું હતું.
આ વેળાએ
તેના પાર્ટનરોએ આ પૈસા અશોકભાઇને ચૂકવી આપવા કહ્યું હતું અને તેઓ બાદમાં અશોકભાઇને
પૈસા પરત આપશે તેવું કહ્યું હતું. જેથી અશોકભાઇએ તેમના હમીરપર ગામે આવેલ 6 એકર જમીન,
ત્યાંનું મકાન અને મોરબીના એકતાનગરમાં આવેલ મકાન વેચીને રૂ.4.37 કરોડનું દેણું ભરી
દીધું હતું. જો કે બાદમાં ચારેય પાર્ટનર પાસે નાણાની ઉઘરાણી કરતા તેઓ ધમકીઓ આપતા હતા.
બીજી
તરફ અશોકભાઇને અમદાવાદના રાણીપમાં રહેતા મનિષાબેન કિરણભાઇ ગોહિલ સાથે પ્રેમ સંબંધ હોય
તેઓએ અને તેમના મિત્ર અચિંતભાઇ મહેતાએ બ્લેકમેઇલ કરી રૂ.70થી 80 લાખ પડાવી લીધા
હતા. આમ કુલ 6 લોકોના ત્રાસથી અશોકએ જીવન ટૂંકાવી લીધું હોવાનું ફરિયાદમાં જણાવાયું
છે. એ-ડિવિઝન પોલીસે તમામ 6 લોકો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.