• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

તાલાલામાં ‘મોરે મોરો’ દેનાર દેવાયત સહિત 15 સામે હત્યાની કોશિશ, લૂંટનો ગુનો ડાયરો રદ કરતા થયેલી માથાકૂટ કારણભૂત : આરોપીઓની શોધખોળ

તાલાલા ગીર, તા.13: તાલાલા પંથકમાં ઠેર ઠેર ફાર્મ હાઉસ અને રિસોર્ટ આવેલા છે જ્યાં લોકો દારૂ-જુગારની મહેફિલ માણતા હોય તેવા કિસ્સાઓ અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાયા છે. ત્યારે હવે તાલાલા ગિર દંગલ મચાવવા માટે પણ પ્રચલિત બન્યું હોય તેમ ગઈકાલે ડાયરા કલાકાર દેવાયત ખવડે જૂની અદાવતમાં અમદાવાદના યુવકની કાર સાથે કાર અથડાવી હુમલો કરી, હથિયાર દેખાડી ધમાલ મચાવતા આ અંગે દેવાયત સહિત 15 સામે તાલાલા પોલીસમાં હત્યાની કોશિશ, લૂંટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તમામની શોધખોળ હાથ ધરી છે. અગાઉ પેમેન્ટ લઇ ડાયરામાં હાજરી નહીં આપવા સબબ નોંધાયેલી ફરિયાદનો ખાર રાખી આ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદના સનાથલના રહેવાસી ધ્રુવરાજાસિંહ રામચંદ્રાસિંહ ચૌહાણ (ઉં.24)એ તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને 12થી 15 અજાણ્યા શખસો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે મિત્રો સાથે તાલાલા ગીર ફરવા આવ્યા હતા અને ચિત્રોડ ગામે ક્રિષ્ના ફાર્મ હાઉસમાં રોકાયા હતા. આ અંગે સૂત્રધાર દેવાયત ખવડને ખબર પડી જતા તેણે કાવતરું રચી બે કાર મારફતે પોતાના 12થી 5 મળતિયાઓ સાથે ચિત્રોડ પહોંચ્યો હતો. ફાર્મ હાઉસમાંથી (જુઓ પાનું 10)

ધ્રુવરાજાસિંહે પોતાની કાર બહાર કાઢતા જ દેવાયત અણી ટોળકીએ બન્ને કાર મારફત ઘેરી લીધો હતો અને ધ્રુવરાજાસિંહની કાર સાથે બન્ને કાર અથડાવી હતી. જેથી ફરિયાદીની કાર રોડ નીચે ઉતરી જતા મોઢે બુકાની બાંધી દેવાયત સહિતનું ટોળું કારમાંથી ઉતર્યું હતું અને ભૂંડી ગાળો દઈ ધોકા અને લોખંડના પાઇપથી હિચકારો હુમલો કરી દીધો હતો. તેમજ ધ્રુવરાજાસિંહના ગળામાંથી લોકેટ સાથેનો ચેઇન પણ ઝૂંટવી લીધો હતો તેમજ ફરિયાદી સામે રોવોલ્વર તાંકી જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્તને પ્રથમ તાલાલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતા. તાલાલા પોલીસે હત્યાની કોશિશ, લૂંટ સહિતનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. બનાવને પગલે તાલાલા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

.દેવાયત સામે રાજકોટ, ચોટીલા, અમદાવાદમાં ગુના

ચિત્રોડ ગામે દંગલ મચાવનાર દેવાયત ખવડ સામે અગાઉ ચોટીલા, મૂળી, સુરેન્દ્રનગર, બોપલ દક્રોઈ અમદાવાદ અને રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી સહિતના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક