કપાસની સફેદી ઘટી ગઇ, ઉભેલો ફાલ ખરી ગયો : બે દિવસ વરસાદની આગાહીમાં હજુ ભારોભાર ફફડાટ
રાજકોટ,
તા.29 (ફૂલછાબ ન્યૂઝ): કમોસમી વરસાદને લીધે ખેડૂત ખોટના ખાડામાં ઉતરી ગયો છે. કપાસ,
મગફળી, ડુંગળી, તલ, કઠોળ જેવા પાકોમાં નુકસાની વ્યાપક છે. જોકે કપાસનો ખેડૂત ગુજરાતભરમાં
વધારે પરેશાન છે. કપાસના ફાલ વધારે વરસાદવાળા વિસ્તારમાં ખરી ગયા છે. અનેક વિસ્તારોમાં
ગુણવત્તાને નુક્સાન પહોંચ્યું છે. એનાથી ખેડૂતોને ભાવ મળવાનો પ્રશ્ન સર્જાશે એટલે આર્થિક
ખોટ ખાવાની આવશે. સીસીઆઇની ખરીદી ટૂંક સમયમાં શરૂ થવાની છે. તેમાં ય બગડેલો કપાસ ચાલશે
નહીં.
અમરેલી,
મહ્નવા, ભાવનગર, સુરેન્દ્રનગર, સોરઠ પંથકમાં વરસાદનું જોર ઘણું વધારે હતુ એટલે આ વિસ્તારોમાં
કપાસનું નુકસાન વ્યાપક છે. જોકે તે ગુણવત્તાને વધારે છે. જથ્થાત્મક નુક્સાન નહીવત છે
તેમ જાણકારોનું કહેવુ છે. અલબત્ત નુક્સાનીનો ભાર ખેડૂતોના ખભે આવશે.
રાજકોટથી
કપાસના એક અગ્રણી બ્રોકર કહે છેકે, વરસાદ બધે જ વધુ ઓછાં પ્રમાણમાં થયો છે જ્યાં કપાસ
વિણવાનો બાકી હતો અને  મોડી જાતોમાં જીંડવા
આવ્યા હતા ત્યાં નુકસાન વધારે છે. ખૂલેલા કપાસ પલળી જતા કપાસિયાને તો નુકસાન થવાનું
જ છે. એ સાથે કપાસની આર.ડી.માં મોટો ફરક પડી ગયો છે. આર.ડી. એટલે ડિગ્રી ઓફ રિફ્લેક્શન
કે જે કપાસની સફેદી નક્કી કરે છે. તેમાં મોટો ઘટાડો દેખાયો છે. કપાસ પીળા પડી જાય તો
ભાવ ઓછો આવે છે. તેમણે ઉમેર્યું કે, ગુણવત્તામાં ફરક ચોક્કસ પડશે પણ ભારતભરમાં માવઠાંથી
જથ્થાત્મક નુક્સાનની ટકાવારી કુલ પાકના પાંચ ટકાથી વધારે નહીં હોય.
સુરેન્દ્રનગરના
એક ખેડૂત કહે છે, વરસાદ પહેલા અમારે પંથકમાં 75 આર.ડી.વાળો કપાસ હતો હવે માંડ 70-72
આર.ડી. આવશે. 73 થી નીચેની આર.ડી.વાળો કપાસ જિનર્સો ખરીદવામાં ગલ્લાતલ્લા કરે છે અને
ભાવ કાપે છે એટલે ખેડૂતોને નુકસાન આર્થિક રીતે જશે. કપાસિયા પણ બગડેલા હોય એટલે જિનરોને
ત્યાં એ કારણથી પણ ભાવ કપાશે.
રાજકોટથી
એક અભ્યાસુ ખેડૂત કહે છેકે, છોડ પડી ગયા હોય, ઢળી ગયા હોય એવા બનાવો નથી બન્યા કારણકે
પવન સાથે વરસાદ ન હતો. જોકે છોડ પર ખૂલેલા કપાસમાં પાણી પડતા કપાસિયા જ ભીના થઇ ગયા
છે. ચારેક દિવસ મોસમ ભેજવાળી રહે તો કપાસિયા ઉગી જશે. તેમણે કહ્યું કે, હજુ બે દિવસ
હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરેલી છે ત્યારે વધુ વરસાદ કપાસને કેટલુ નુક્સાન
કરશે તે આવનારો સમય જ કહી શકશે પણ અત્યારે હાલત ખરાબ છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર,
મહુવા અને રાજુલા તથા સુરેન્દ્રનગર પટ્ટીમાં કિસાનો વધારે મુસિબતમાં છે.
કપાસની
આવક અત્યારે વરસાદી માહોલમાં અટકી પડી છે. વાતાવરણ ચોખ્ખું થાય ત્યારે કપાસ આવશે એમાં
ક્વોલિટી વેરિએશન સર્જાશે એટલે કડદાની સમસ્યા વ્યાપક બનવાની છે. સીસીઆઇની ખરીદી શરૂ
થવાના દિવસો ગણાય રહ્યા છે પણ એમાં નબળા માલ ચાલશે નહીં એટલે ખેડૂતોએ ફરજિયાત યાર્ડમાં
સસ્તાં ભાવમાં કપાસ વેચવો પડશે. એક તરફ કંટાળીને ખેડૂતોએ વાવેતર કાપ મૂક્યો છે. તો
વિદેશથી આવતા કપાસ પર સરકારે 11 ટકા આયાત જકાત કાઢી નાંખતા ખેડૂતો ફસાઇ ગયા છે. એવામાં
વરસાદથી હવે પાકને ફટકો પડયો છે.
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    