• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

મોરબી નજીક અકસ્માતના બે બનાવમાં 4નાં મૃત્યુ

            જાંબુડિયા ઓવરબ્રીજ પાસે ટ્રકે ડબલસવારી બાઈકને તથા પાવડીયારી કેનાલ પાસે ડમ્પરના ચાલકે બે રાહદારીને અડફેટે લીધા : ત્રણ ઘવાયા

મોરબી, તા.30: રફાળેશ્વર ચોકડી નજીક ઓવરબ્રીજ વચ્ચે સર્વિસ રોડ પર ટ્રકે-બાઈકને અને પાવડીયારી કેનાલ પાસે ડમ્પરના ચાલકે રિક્ષાને હડફેટે લીધા હતા. આ અકસ્માતના બે બનાવમાં બે રાહદારી સહિત ચાર વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા.

પ્રથમ બનાવમાં મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે એકતા કેમીકલની લેબર કોલોનીમાં રહેતા મનીષભાઈ દીતીયાભાઈ ગોયલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, શંકરભાઈ તેમજ કરણસિંગ એમ બંને મોટરસાયકલ લઈને રફાળેશ્વર ચોકડીથી ઘરે આવતા હતા. તે દરમિયાન જાંબુડીયા ગામના બ્રીજ વચ્ચે મોરબી તરફ જતા રોડ પર મોટર સાયકલ લઈને ટ્રકના ચાલકે સામેથી પૂરઝડપે અને બેદરકારીથી આવી મોટર સાઈકલને અડફેટે લેતા બંનેના મૃત્યુ નીપજ્યા હતા. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધાઈ છે.

જ્યારે બીજા બનાવમાં મોરબીના વાવડી રોડ પર ગણેશનગર સોસાયટીમાં શેરી 3માં રહેતા ઈમરાનશા અહેમદશા શાહમદારે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર સ્પીડમાં ચલાવી પાવડીયારી કેનાલ પાસે સાઈડમાં પાર્ક કરેલ ફરિયાદીની રીક્ષા તેમજ બીજી ત્રણ રિક્ષાને હડફેટે લેતા રિક્ષામાં નુક્શાન પહોંચાડી રોડની સાઈડમાં ઉભેલ રાહદારી મનોજ ધર્મેશ્વર ગોપ તથા  સુનીલ ગુમાનસિંગ અમલીયારને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું તો સાહેદ સાહિલ મેમણ તથા હુશેન મુલતાની તથા બાળક રાજેશ સુનીલને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક