ખેડૂતની 200 મણ મગફળીમાં સરેરાશ રૂ. 200 ચૂકવાય તો તમામ પક્ષકારોને લાભ: ઘનશ્યામ પટેલ
રાજકોટ,તા.30:
(ફૂલછાબ ન્યૂઝ) લઘુતમ ટેકાના ભાવથી મગફળી સહિતની જણસીઓની ખરીદી 1 નવેમ્બરથી શરૂ થવાની
છે. જોકે એ પૂર્વે માવઠાંને લીધે મગફળીના જથ્થાને વ્યાપક નુક્સાન થયું છે. ખરીદીમાં
કદાચ વિલંબ પણ વરસાદને લીધે થઇ શકે. જોકે સરકારી ખરીદીમાં ખેડૂતોને કાયમ અન્યાયની લાગણી
થાય છે. સરકારી કર્મચારીઓ સામાન્ય કામગીરીમાંથી ખરીદીમાં જોતરાતા સમય વેડફાય છે. ખરીદેલી
મગફળી વેચવામાં સરકાર કરોડોની નુક્સાની પણ કરે છે. તેના સ્થાને સરકારે ખેડૂતોને ભાવફેર
ચૂકવે તે ખૂબ જરુરી બની ગયું છે.
મહ્નવા
માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ઘનશ્યામભાઇ પટેલે કૃષિપ્રધાન જીતુ વાઘાણીને રજૂઆત કરતા
કહ્યું છેકે, ખેડૂતોને એમએસપીથી ખરીદીને બદલે ભાવફેર ચૂકવવો જોઇએ. તેમણે કહ્યું કે,
66 લાખ ટનના સરકારી ઉત્પાદન અંદાજ પછી માવઠાથી નુક્સાન ગણતા વાસ્તવિક ઉત્પાદન 50 લાખ
ટન આસપાસ થઇ શકે છે. સરકારે 13 લાખ ટન જેટલી ખરીદી 9,32,000 જેટલા નોંધાયેલા ખેડૂતો
પાસેથી કરવી પડે. આમ 70 મણ પ્રતિ ખેડૂત ખરીદી થઇ શકે તેમ છે.
તેમણે
ઉમેર્યુ કે, ટેકાનો ભાવ એક મણે રૂ. 1453 છે. જે ખેડૂતોને ચૂકવવાનો થશે. જોકે તેના ઉપર
ખરીદી બાદનું ખર્ચ સરકારને રૂ. 247 બેસે છે.આમ સરકારની પડતર રૂ. 1700 કે તેનાથી વધે
છે. સરકારને રૂ. 600નું નુક્સાન જાય છે. તેની રકમ આશરે રૂ. 3900 કરોડની થાય છે. વળી,
આવડા મોટાં આંધણ પછી પણ ખેડૂતોની પાસેથી નજીવી ખરીદી થઇ એવો કચવાટ રહે છે. 
ખરીદીની
બદલે ભાવફેરનો વિકલ્પ આપતા તેમણે કહ્યું કે, સરકારે દર મહિને 200 મણ લેખે  નવેમ્બરમાં ખેડૂત પાસેથી ખરીદી માટે રૂ.150 ચૂકવવા
જોઇએ. એ રીતે ડિસેમ્બરમા રૂ. 175, જાન્યુઆરીમાં રૂ. 200, ફેબ્રુઆરીમાં રૂ. 225 અને
માર્ચમાં રૂ. 250 સહાય કરવી જોઇએ. સરકાર ખેડૂતોને આ રીતે માર્ચ સુધીનો વિકલ્પ આપે.
આમ માર્ચમાં મગફળી લાવનારને રૂ. 100 વધુ મળે. જેમની પાસે નાણાકિય ક્ષમતા વધારે હોય
તે વધારે સમય માલ રોકીને વધુ વળતર મેળવી શકે છે. આમ કરવાથી બજારમાં પુરવઠો પણ જળવાઇ
રહેશે. 
સરકાર
ખેડૂત પાસેથી હાલની પધ્ધતિએ ખરીદી કરે તો એમાં નુક્સાની જ જવાની છે. તેના બદલે ખેડૂતોને
200 મણ લેખે સરેરાશ રૂ. 200 ચૂકવી દેવામાં આવે તો ખરીદીના કોઇ પ્રશ્નો જ ઉપસ્થિત થવાના
નથી. સરકાર મણે રૂ. 600નું નુક્સાન કરીને ખેડૂતોની પાસેથી માત્ર 70 મણની ખરીદી કરે
તેના કરતા તો ઉપરોક્ત પધ્ધતિ વધારે સારી છે. 
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    