• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

જૂનાગઢના ધારાસભ્યને ધમકી આપી રૂ.30 લાખની ખંડણી માગનારા બે પકડાયા

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીની કલાકોમાં જ વેરાવળ અને અમદાવાદના શખસોને દબોચી લીધા

જૂનાગઢ, તા.30: જૂનાગઢના ધારાસભ્યને અજાણ્યા શખ્સોએ વ્હોટ્સએપ કોલ કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ.30 લાખની ખંડણી માંગનારા બે શખ્સોને જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે ગણતરીની કલાકોમાં પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાના મોબાઈલમાં વ્હોટ્સએપમાં તા.ર6ના રોજ એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. તેમાં તેને અજાણ્યા શખ્સે અપશબ્દો બોલી તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને રૂ.30 લાખની ખંડણી માંગી અને જો હોશિયારી કરતા નહી અને ગુજરાત પોલીસ મારૂ કાંઈ બગાડી શકશે નહીં તેમ ધમકીભર્યા કોલ અને મેસેજો કરવામાં આવ્યા હતા અને રૂ.પ લાખનું આંગડીયુ કરી આપવાનું કહ્યુ હતું. આ અજાણ્યા મોબાઈલ નંબરો પરથી સતત ખંડણીની માંગણી ચાલુ રહેતા સંજયભાઈ કોરડીયાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં જૂનાગઢ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પીઆઈ કે.એમ.પટેલ તથા સ્ટાફ દ્વારા ટેકનીકલ અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની ઓળખ સહિતની માહિતી મેળવી તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. દરમ્યાન બાતમીના આધારે વેરાવળનો ઈમરાન ઉર્ફે જોન નુરમહમદભાઈ સિમારી તથા અમદાવાદ ભાડચ ઠાકોરવાસના રોનક રાજુભાઈ ઠાકોરને પકડી લીધા હતા. બન્નેની પુછપરછમાં મુખ્ય સૂત્રધાર મૂળ તાલાલાના ચિત્રાવડનો વતની હાલ કોંગો સાઉથ આફ્રિકામાં રહેતો સમીર ગાલીફભાઈ બ્લોચનું નામ જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક