સોની વેપારીએ યુવકને એક સોનાનું બિસ્કીટ આપ્યા બાદ બીજુ બિસ્કીટ ન આપી દુકાન અને ફોન બંધ કરી નાખ્યા
અમરેલી,
તા.30: ખાંભા ગામમાં રહેતા યુવકના સુરતમાં રહેતા પિતરાઈ ભાઈના પુત્ર અને પુત્રીના લગ્ન
માટે ઘરેણા બાનાવવા માટે ખાંભામાં સોની વેપારીએ ઘડામણ સસ્તુ પડશે કહી રૂા.4.80 લાખનો
ચેક લઈ સોનાનું બિસ્કીટ ન આપી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ થઈ છે. 
ખાંભા
ગામે ભગવતીપરામાં રહેતા ભાભલુભાઈ પોપટભાઈ સોલંકીના સુરત ગામે રહેતા પિતરાઈ ભાઈ અશોકભાઈ
માંડણભાઈ સોલંકીના પુત્ર તથા પુત્રીના લગ્ન કરવાના હોય જેના માટે ઘરેણા બનાવવાના હોય
જેથી ખાંભામાં શિવમ જ્વેલર્સના સંચાલક હીરેનભાઈ ઉર્ફે ચકુ ત્રિભોવનભાઈ સલ્લા (સોની)
જાણીતા સોની વેપારી હોય અને તેમની પાસે ઘડામણ સસ્તુ પડશે. તેમની પાસે ઘરેણા બનાવી નાખવાનું
કહેતા તેમના પિતરાઈ ભાઈ અશોકે રોકડા રૂપિયા 4,80,000 ઘરેણા બનાવવા માટે ગત તા.20-6ના
રોજ શિવમ જ્વેલર્સની દુકાને થયેલ હતા ત્યારે હિરેનભાઈએ કહ્યું કે હાલ સોનાના ભાવમાં
વધારો ઘટાડો થતો રહે છે. જેથી સોનાનું બિસ્કીટ ખરીદી લ્યો અને હું સોનાના દાગીના બનાવી
આપીશ તેવું કહ્યું હતું. 
ત્યાર
બાદ 100 ગ્રામનું બિસ્કીટ લેવાનું નક્કી થયેલ જેથી 100 ગ્રામ બિસ્કીટના રૂપિયા 9,60,000
રોકડા આપવાનું સોનીએ કહેતા રોકડા પૈસા ભાભલુભાઈ પાસે ન હોય જેથી ચેક સોની વેપારીને
આપ્યો હતો. સોનીએ દસેક દિવસમાં સોનાનું બિસ્કીટ બનાવવાનો મને વાયદો આપેલો હતો. બાદમાં
સોની વેપારીએ એક 50 ગ્રામ સોનાનું બિસ્કીટ આપ્યું અને બીજુ સોનાનું બિસ્કીટ ત્યારપછી
બનાવી આપવાનું કહ્યું પરંતુ બાકીનું સોનું નહીં આપતા અવારનવાર બાકી નીકળતા સોનાના બિસ્કીટ
માટે તેમની પાસે ઉઘરાણી કરતા સોની વેપારી ખોટા વાયદાઓ આપી બીસ્કીટ ન આપી અને પોતાની
દુકાન તેમજ ફોન બંધ કરી દીધો હતો. તેથી આરોપી હીરેનભાઈ સોની રૂપિયા 4,80,000 ચેકથી
લઈ અને સોનું નહીં આપી છેતરપિંડી કરી નાસી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. 
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    