(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા.28 : સરકારી મગફળીનું
વેચાણ શરૂ થતાં ભાવ તૂટવા લાગશે અને સીંગતેલ પણ સસ્તું થઇ જશે એવી મોટાંભાગના બજાર
વર્તુળોની ધારણા સદંતર ખોટી પડી છે. બજારે ધારણા કરતા સાવ જુદો જ મિજાજ બતાવ્યો છે.
સીંગતેલનો ડબો ત્રણ હજાર સુધી પહોંચી ગયો છે અને સરકારી મગફળી મણે રૂ. 1400 નીચે મળતી
નથી.
ગુજરાતમાં મગફળીની રેકોર્ડબ્રેક
ખરીદી થઇ હતી. નાફેડ અને એનસીસીએફ એમ બે સંસ્થાઓએ કુલ મળીને આશરે 18 લાખ ટનનો પુરવઠો
એકઠો કર્યો છે. એ વેચાણમાં આવશે એટલે ભાવ ઘટવાનું નક્કી માનવામાં આવતું હતુ. જોકે સરકારી
વેચાણ એક સંસ્થાએ મહિના પૂર્વે અને નાફેડે વીસ દિવસ પૂર્વે કર્યું છે. મગફળી આસમાની
ટેકાના ભાવ નજીક જ વેચાતી હોવાથી બજાર વર્ગને મનની વાત મનમાં રહી ગઇ છે. હવે નાછૂટકે
વેપારીઓ ઉંચા દામ ચૂકવી રહ્યા છે. સરકારી એજન્સીઓને નફો નથી પણ ભાવ અપેક્ષિત ઘટાડીને
વેચાણ કર્યું નથી.
જોકે સરકારી સંસ્થાની ઉંચા ભાવની
વેચવાલીને લીધે સરવાળે ખેડૂતોને ફાયદો મળી રહ્યો છે. ખેડૂતો મક્કમ થઇ ગયા છે એટલે
5-10 ટકા જેટલો પણ મગફળીનો પુરવઠો ખેડૂતો પાસે છે તે બજારમાં આવતો નથી. બિયારણ માટે
અગાઉ સ્ટોક માટે ખરીદી ચૂકેલા સ્ટોકિસ્ટો પણ એપ્રિલ અંતમાં ટોપ ભાવ મેળવે તેમ છે. જોકે
અત્યારે દાણા ઉત્પાદકો અને તેલ મિલો વધારે દુ:ખી છે કારણકે માલ હોવા છતાં અપૂરતો મળે
છે.
સીંગદાણાના ઉત્પાદક કહે છે, ખુલ્લા
બજારમાં મગફળીનો જથ્થો મળે એમ નથી એટલે સરકારી એજન્સીએ ભાવ પકડી રાખ્યા છે. માર્કેટ
યાર્ડ અત્યારે બંધ છે પણ ચાલુ હતા ત્યારે પણ 10-15 હજાર ગુણી કરતા વધારે મગફળી આવતી
ન હતી. હવે જોકે સરકાર સિવાય ક્યાંય મગફળી મળે તેમ નથી એટલે રૂ. 1400-1440ના ભાવથી
સોદા થાય છે.
સરકારે ગુજરાતમાં ખરીદેલી 18
લાખ ટનમાંથી આશરે અઢી લાખ ટન જેટલી મગફળી ઉપર્યુક્ત ભાવમાં કે તેની આસપાસ વેંચી નાંખી
છે. એક તેલ મિલર કહે છેકે, હજુ સારી મગફળી ભરવામાં આવી હતી તેવા ગોદામો જ ખૂલ્યાં છે.
નબળા, ભીના અને માટીવાળા માલ નાંખવામાં આવ્યા છે એવા ગોદામો ખૂલશે ત્યારે ભાવ નીચો
બોલાશે. જોકે એ પ્રકારની મગફળી કોઇ લેશે નહીં એટલે સારાં માલની માગ રહેશે અને ભાવ પણ
ઉંચા રહેવાની શક્યતા છે.