• શનિવાર, 18 જુલાઈ, 2026

વાવ-થરાદમાં 6.89 કરોડની નશીલી ગોળીઓ સાથે બે શખસ ઝડપાયા

મેડિકલ લાયસન્સનો દુરુપયોગ કરી પ્રતિબંધિત ટર્માડોલ હાઈડ્રોક્લોરાઈડ ડ્રગનું વેચાણ કરાતું હતું

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.16 : વાવ-થરાદ જિલ્લામાં પ્રતિબંધિત નશાકારક દવાઓના ગેરકાયદે વેપાર સામે એસ.ઓ.જી.એ કડક કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી.ના પી.આઈ. આર.કે. અમીનના માર્ગદર્શન હેઠળ થરાદ શહેર તેમજ માવસરી પોલીસ મથક વિસ્તારના ચોથાનેસડા ગામે અલગ-અલગ સ્થળોએ ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે દરોડામાં રૂ. 6.89 કરોડની નશાકારક ગોળીઓ સાથે બેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નિયંત્રિત અને પ્રતિબંધિત ટ્રામાડોલ હાઇડ્રોક્લોરાઇડ યુક્ત કુલ 8,060 નંગ નશાકારક ગોળીઓ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 6,89,77,600નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને બે આરોપીઓને ઝડપી પાડી તેમની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોપી મફાભાઈ ડીસા ખાતે આવેલા ’પટેલ મેડીકલ સ્ટોર્સ’માંથી પોતાના સિકોતર મેડીકલના લાયસન્સનો દુરુપયોગ કરી હોલસેલમાં આ પ્રતિબંધિત ગોળીઓ ખરીદતો હતો. નિયમ મુજબ ગ્રાહકોને પ્રિક્રિપ્શનથી દવા આપવાના બદલે તે દુકાનના ઉપરના માળે આવેલા અવાવરૂ ગોડાઉનમાં જથ્થો છુપાવી રાખતો હતો અને ત્યાંથી બારોબાર ગેરકાયદેસર નશાખોરોને ઊંચા ભાવે વેચી દેતો હતો. આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ મુજબ ગુનો દાખલ કરાયો છે.

પકડાયેલા મુખ્ય આરોપી મફાભાઈ રબારીની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. તેણે આ નશાકારક ગોળીઓનો કેટલોક જથ્થો વિક્રમભાઈ રાજપુત (રહે. ચોથાનેસડા)ને આપ્યો હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક ચોથાનેસડા ગામે આવેલી ’પરમેશ્વર કિરાણા સ્ટોર્સ’ નામની દુકાને બીજી રેઇડ કરી હતી.

પોલીસે કિરાણા સ્ટોર્સની આડમાં છુપાવેલી ટર્માડોલ હાઇડ્રોક્લોરાઇડની કુલ 660 નંગ ગોળીઓ (કિંમત રૂ. 2,64,000) તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 2,74,000 નો જથ્થો જપ્ત કરાયો છે. અને વિક્રમભાઈ નાગજીભાઈ રાજપુતની ધરપકડ કરી તેની વિરુદ્ધ માવસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક