• શુક્રવાર, 17 જુલાઈ, 2026

આર્જેન્ટિના ફાઇનલમાં: ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2-1 ગોલથી દિલધડક વિજય

84 મિનિટ સુધી 0-1થી પાછળ રહ્યા બાદ મેસ્સીના બે પાસથી બાજી મારી : રવિવારે ફાઇનલમાં આર્જેન્ટિના-સ્પેન આમને-સામને

એટલાંટા તા.16: ફીફા વર્લ્ડ કપના રોમાંચક સેમિ ફાઇનલમાં ચેમ્પિયન આર્જેન્ટિનાનો ઇંગ્લેન્ડ વિરુદ્ધ 2-1 ગોલથી દિલધડક વિજય થયો હતો અને સતત બીજીવાર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેની ટક્કર રવિવારે રાત્રે યૂરોપિયન ચેમ્પિયન સ્પેન વિરુદ્ધ થશે. બીજા સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ પાસે 60 વર્ષનો દુકાળ ખતમ કરીને ફાઇનલમાં પહોંચવાની સોનેરી તક હતી. 84 મિનિટ સુધી ઈંગ્લેન્ડ 1-0થી આગળ હતું. આ પછી ફરી એકવાર મેસ્સીની ટીમે ઐતિહાસિક વાપસી કરીને 7 મિનિટની અંદર બે ગોલ કરીને ઈંગ્લેન્ડને વિશ્વ કપની બહાર કરી દીધું હતું. બ્રાઝિલ બેક ટૂ બેક ફીફા વર્લ્ડ કપ જીતનારી આખરી ટીમ છે. તેણે આ પરાક્રમ 19પ8 અને 1962માં ચેમ્પિયન બની કર્યું હતું. હવે આ રેકોર્ડની આર્જેન્ટિના પાસે તક છે.

ઇંગ્લેન્ડ તરફથી એન્થની ગોર્ડને મેચની પપમી મિનિટે ગોલ કર્યો હતો. ઇંગ્લેન્ડની આ 1-0ની સરસાઇ મેચની 84 મિનિટ સુધી જળવાઇ રહી હતી. દબાણના આ સમયમાં આર્જેન્ટિના ટીમ ફરી એકવાર વાપસી કરવામાં સફળ રહ્યું હતું. મેચની 8પમી મિનિટે અંજો ફર્નાન્ડિસે મેસ્સીના પાસથી અદભૂત ફિલ્ડ ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. તેની ઠીક 7 મિનિટ બાદ લોટેરો માર્ટિનેજે મેસ્સીના ક્રોસ પાસથી હેડરથી ગોલ કરી આર્જેન્ટિનાની સરસાઇ 2-1 કરી દીધી હતી. આ ગોલ 90 પ્લસ 2 ઇન્જરી ટાઇમમાં થયો હતો. જે આર્જેન્ટિના માટે વિજયી બની રહ્યો હતો. આથી ઇંગ્લેન્ડ સામે 2-1થી રોમાંચક વિજય હાંસલ કરી આર્જેન્ટિનાએ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

વર્તમાન વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં આર્જેન્ટિના ટીમે સફળ વાપસી કરી જીત નોંધાવી છે. ક્વાર્ટર ફાઇનલમાં સ્વિત્ઝરલેન્ડ સામે એકસ્ટ્રા ટાઇમમાં વિજય થયો હતો. પ્રી ક્વાર્ટરમાં ઇજીપ્ત વિરુદ્ધ 78 મિનિટ સુધી 0-2થી પાછળ રહ્યા બાદ 3-2થી મુકાબલો જીત્યો હતો. રાઉન્ડ-32માં પણ કેપ વર્ડે સામે એકસ્ટ્રા ટાઇમમાં વિજય મેળવ્યો હતો.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક