એટલાંટા, તા.16 : ફૂટબોલ વર્લ્ડ કપ-2026ના બીજા સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે આર્જેન્ટિનાનો 2-1થી વિજય થયો હતો. આ મેચમાં મેસ્સીનાં નામે એક પણ ગોલ ન હતો. આમ છતાં મેસ્સી ફરી એકવાર આર્જેન્ટિના માટે મેચ વિનિંગ પ્લેયર બન્યો હતો. આર્જેન્ટિના તરફથી જે બે ગોલ થયા તે બન્ને ગોલ મેસ્સીએ આસિસ્ટ કર્યા હતા. ફૂટબોલની રમતમાં ગોલ કરનાર ખેલાડીને જેની પાસેથી પાસ મળે છે તેને આસિસ્ટ કહેવામાં આવે છે. મેસ્સીના પાસથી એન્જો ફર્નાન્ડિસ અને લોટેરો માર્ટિનેઝે ગોલ કર્યા હતા. આ સાથે જ મેસ્સીએ ફીફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં ગોલમાં સૌથી વધુ યોગદાનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ મામલે તેણે ફ્રાંસના સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપેને પાછળ રાખી દીધો છે. મેસ્સી હવે ત્રીજો ફાઇનલ મેચ રમશે. આ પહેલાં તે 2014 અને 2022નો ફાઇનલ મેચ રમી ચૂક્યો છે.