• શુક્રવાર, 17 જુલાઈ, 2026

500 રોહિંગ્યા સમુદ્રમાં ડૂબ્યા !

નવી દિલ્હી, તા. 16 બંગાળની ખાડીમાં એક ભયાનક ઘટના સામે આવી છે. મળતી વિગતો પ્રમાણે મ્યાંમારના અલ્પસંખ્યક રોહિંગ્યા સમુદાયના લોકોને લઈને જઈ રહેલી બે બોટ સમુદ્રમાં ડૂબી હતી, જેમાં 500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત અને ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (આઈઓએમ) સંભવિત જાનમાલના નુકસાન ઉપર ઊંડી ચિંતા વ્યક્ત કરી છેયુનોની એજન્સીઓ અનુસાર બન્ને બોટે જૂનના અંતિમ અઠવાડિયામાં મ્યાંમારના રખાઈન પ્રાંતથી યાત્રા શરૂ કરી હતી અને બન્નેમાં રોહિંગ્યા શરણાર્થીઓ સવાર હતા. અમુક એવા સવાર પણ હતા જેઓ સીમા પાર બંગલાદેશના શરણાર્થી કેમ્પમાંથી આવ્યા હતા. અંદાજિત 250 યાત્રી ભરેલી પહેલી બોટનો સંપર્ક યાત્રા શરૂ થયાના અમુક સમય બાદ તૂટી થયો હતો જ્યારે 280 લોકોને લઈ જઈ રહેલી બીજી બોટ આઠમી જુલાઈના રોજ મ્યાંમારના અયેયારવાડી તટ પાસે ડૂબી હોવાના અહેવાલ હતા.

સામાન્ય રીતે રોહિંગ્યા શરણાર્થી ચોમાસાની ઋતુમાં સમુદ્રની યાત્રા કરવાથી બચે છે કારણ કે દરમિયાન ખરાબ હવામાન અને ઊંચી લહેરો મુસાફરીને વધારે ખતરનાક બનાવે છે. યુએનએચસીઆર અને આઈઓએમના કહેવા પ્રમાણે છેલ્લા અમુક સમયમાં મૂસળધાર વરસાદ અને પૂરે બોટની સફરને વધારે જોખમી બનાવી હતી. જો કે બન્ને એજન્સીઓએ કહ્યું હતું કે મૃતકોની સંખ્યાની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

મ્યાંમાર સુરક્ષા દળોની હિંસાથી બચીને ભાગેલા 12 લાખ રોહિંગ્યા મુસલમાન વર્તમાન સમયે બંગલદેશના ખીચોખીચ ભરેલા શરણાર્થી કેમ્પમાં રહેવા મજબૂર છે. તેવામાં સારાં ભવિષ્યની તલાશમાં રોહિંગ્યાઓ સમુદ્રની મુસાફરી કરીને બીજા સ્થળે પહોંચવા નીકળે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક