અમદાવાદ, રાજકોટ તા.16ઃ જય જગન્નાથના નાદ, ભક્તોનું ઘોડાપૂર અને મોસાળ સરસપુરમાં વરસેલા હેત વચ્ચે અમદાવાદમાં નગરના નાથની 149મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. સોનાની સાવરણીથી પાહિંદ વિધિ બાદ શરૂ થયેલી આ ભક્તિ સફર મોડી સાંજે હાઈટેક સુરક્ષા અને કોમી એકતાના અનોખા દ્રશ્યો સાથે નીજ મંદિરે પરત ફરી ત્યારે લાખો ભક્તોની આંખો પ્રભુના વિરહમાં ભીની થઈ હતી. અમદાવાદના માર્ગો પર જય રણછોડ, માખણચોર અને જય જગન્નાથનો જયઘોષ ગૂંજી ઉઠ્યો હતો.
સંતો- મહંતો તેમજ મોટાપાયે નાગરિકોએ મંગળા આરતીમાં હાજર રહીને દિવ્યતાનો અનુભવ કર્યો હતો. મંદિર પરિસરમાં ધાર્મિક મંત્રોચ્ચાર અને ભજન તેમજ
આરતી સાથે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. ત્યાર બાદ ભગવાનને ખીચડીનો વિશિષ્ટ ભોગ ધરાવાયો હતો. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવામાં આવ્યા હતા.
ત્યાર બાદ પોણા છ આસપાસ ભગવાનને મંદિરના પ્રાંગણમાં ગોઠવવામાં આવેલા સુશોભિત રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સાથે મળીને પાહિંદ વિધિ કરી હતી. આ વખતે ઐતિહાસિક દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી, બન્નેએ સાથે મળીને સોનાની સાવરણીથી માર્ગ સ્વચ્છ કરતા નજરે પડ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ રથને ખેંચીને પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
સૌથી આગળ 18 જેટલા
શણગારાયેલા ગજરાજ ચાલી રહ્યા હતા. ત્યાર બાદ તેની પાછળ ટ્રક અને વિવિધ થીમ આધારિત ટેબ્લો જોડાયા હતા. ભજન મંડળીઓ અને અખાડાના કરતબબાજોએ રથયાત્રાની શોભા વધારી હતી. આશરે સાડા સાત વાગ્યે નંદીઘોષ રથમાં સવાર ભગવાન જગન્નાથ, પદ્મધ્વજમાં સવાર બહેન સુભદ્રા અને બળભદ્રજી તાલધ્વજ રથ સાથે નીજ મંદિરથી નગરયાત્રાએ નિકળ્યા હતા. આગળ જગન્નાથજી અને પાછળ બળભદ્રજીના રથ હતા જ્યારે વચ્ચે સુભદ્રાજીનો રથ હતો. ખલાસીભાઈઓ દ્વારા રથને ખેંચવાની જવાબદારી નિભાવવામાં આવી હતી.
મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોમી એખલાસનો સંદેશો આપતા મુસ્લિમ બિરાદરોએ પણ મહંતને ફૂલહાર અર્પણ કરી રથયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભજન મંડળીઓમાં પરશુરામ ભગવાન અને જગન્નાથજીના ટેટૂએ આકર્ષણ જમાવ્યું હતું. પેટ્રોલ ડીઝલની અછત, સ્વચ્છતા અને સાયબર ફ્રોડ સામે સાવચેતી સહિતના સામાજિક સંદેશ આપતા વિવિધ ટેબ્લોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
જૂના અમદાવાદના વિવિધ માર્ગો પરથી રથયાત્રા પસાર થઈ હતી જેમાં ઠેકઠેકાણે નગરના નાથને નગરજનોએ નિરખ્યા હતા. લોકોને મગ, જાંબુ, ખારેક અને કાકડીની પ્રસાદી સાથે ઉપરણાનું વિતરણ કરાયું હતું. રથયાત્રાનો સૌથી મહત્વપૂર્ણ અને ભાવુક પડાવ ભગવાનના મોસાળ સરસપુર ગણાય છે. કાલુપુર થઈને ભગવાન જગન્નાથજીનો દિવ્ય રથ સરસપુરમાં પ્રવેશ્યો ત્યારે ભગવાનના આગમનની સાથે જ મોસાળવાસીઓનો આનંદ બેવડાયો હતો અને આખોય વિસ્તાર જયઘોષથી ગુંજી ઉઠ્યો અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી. અહીં લાખો ભક્તોએ ભાવપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સરસપુરમાં ભાણેજનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને 26 જેટલી
પોળમાં ભક્તો માટે જમણવાર યોજાયો હતો. આશરે અઢી લાખથી વધુ ભક્તો અને સંતોએ ફૂલવડી, બટાકાનું શાક, પૂરી અને શુદ્ધ ઘીમાંથી બનેલા મોહનથાળનો પ્રસાદ લઈને તૃપ્ત થયાનો અનુભવ કર્યો હતો. રથયાત્રા પરત ફરી રહી હતી ત્યારે સાંજના સમયે દરિયાપુરમાં તંબુ ચોકી પાસે જ અમી છાંટણા થતાં લોકોમાં ખુશી જોવા મળી હતી.
મુખ્યમંત્રીએ કચ્છી નૂતન વર્ષ અને રથયાત્રાની શુભકામના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રીતે સોનાની સાવરણી વડે પ્રભુના રથનો માર્ગ સાફ કરીને પાહિંદ વિધિ સંપન્ન કરી હતી. મુખ્યમંત્રીએ આ સાથે જ અષાઢી બીજ પર કચ્છી નવું વર્ષ અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રાજ્યના તમામ નાગરિકોને શુભકામના પાઠવી હતી.
રથયાત્રામાં 30 હજાર
પોલીસ જવાનોનો લોખંડી બદોબસ્ત
રથયાત્રામાં પોલીસ વિભાગ દ્વારા લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર યાત્રાના રૂટ પર આશરે 30 હજાર
જેટલા પોલીસ જવાનો તૈનાત હતા. 10 જેટલા
આઈજી અને ડીઆઈજી કક્ષાના અધિકારીઓ, બે જેસીપી તેમજ 42 ડીસીપીએ
મોરચો સંભાળ્યો હતો આ ઉપરાંત, કાફલામાં 93 એસીપી,
303 પીઆઈ અને 673 પીએસઆઈ
સહિતના અધિકારીઓએ સઘન પેટ્રાલિંગ કર્યું હતું. બે હજાર પોલીસ કર્મીઓએ સતત રથ સાથે ચાલીને ફૂટ પેટ્રાલિંગ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીએમ ડેશબોર્ડ પરથી રથયાત્રાનું લાઈવ મોનિટારિંગ કર્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે સી.એમ. ડેશબોર્ડની અત્યાધુનિક વીડિયો વોલ પરથી સમગ્ર રથયાત્રાનું રિયલ ટાઈમ મોનિટારિંગ કર્યું હતું. મુખ્યમંત્રીએ અમદાવાદ શહેરમાં રથયાત્રાના ભ્રમણ, કાયદો-વ્યવસ્થાની સ્થિતિ તેમજ યાત્રાના સંચાલનની પળેપળની વિગતો ટેક્નોલોજીના માધ્યમથી લાઈવ નિહાળી હતી અને પ્રશાસનને જરૂરી સૂચનો આપ્યા હતા.
રથયાત્રામાં ડે.સીએમ હર્ષ સંઘવી પગપાળા
જોડાયા, ભંડારામાં પ્રસાદ સેવા આપી
રથયાત્રામાં મોટી સંખ્યામાં આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ તૈયારી કરવામાં આવી હતી. ભોજનની તૈયારી વખતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભંડારામાં પૂરી તળીને પ્રસાદ સેવા આપી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિજ મંદિરે પરત ફરી રહી હતી ત્યારે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પણ કાફલામાં સામેલ થઈ ગયા હતા. તેઓ પણ તંબુ ચોકીએ રથના દર્શન કરી જય જગન્નાથનો જયઘોષ કર્યો હતો. હર્ષ સંઘવી સાથે શહેર પોલીસ કમિશનર અનુપમાસિંહ ગહલોત તથા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હતા.
સરસપુરમાં ભગવાન જગન્નાથનું બે ભવ્ય મામેરા સાથે સ્વાગત
ભગવાનના મોસાળ સરસપુરમાં વાસણ શેરી ખાતે પ્રભુનું પ્રથમ ભવ્ય મામેરું ભક્તિસભર વાતાવરણમાં સંપન્ન થયું હતું. ત્યારબાદ પરંપરાગત રીતે રણછોડરાય મંદિરે ભગવાનના બીજા મામેરાની શાસ્ત્રોક્ત વિધિ હાથ ધરાઈ હતી. ભગવાનને દવે પરિવાર દ્વારા લાખેણુ મામેરું અર્પણ કરાયું હતું. જેમાં મોરપીંછ આધારિત વાઘા, દક્ષિણ ભારતીય આભૂષણો, આભલા વર્ક, રેશમ વર્ક, દોરી વર્ક, કસબ વર્ક તથા પાઘડી સાથેના ભગવાનના વાઘાનો સમાવેશ છે. સાથે જ રાજસ્થાની ગોટાપટ્ટીના વર્ક વાળા વાઘા છે. આ ઉપરાંત સોનાના આભુષણો અને બહેન સુભદ્રાને ખાસ શ્રૃંગાર અર્પણ કરાયો હતો.
રથયાત્રા દરમિયાન 41 ઈમરજન્સી
કેસ
ભારે ઉકળાટ વચ્ચે રથયાત્રા યોજાઈ હતી જેમાં આરોગ્યલક્ષી 41 ઈમરજન્સી
કેસો નોંધાયા હતા. 108 એમ્બ્યુલન્સ
સેવાઓ દ્વારા દર્દીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. કેસોમાં સૌથી વધુ 15 કેસ ચક્કર આવવાના, શ્વાસ લેવામાં તકલીફ થવાના 5 કેસ, ભીડભાડમાં પડી જવાના 4 કેસ, માર્ગ અકસ્માતના 3 કેસ અને પેટના દુખાવાના 2 કેસ નોંધાયા હતા.
મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજીનું સ્વાગત કર્યું
ભગવાન જગન્નાથજીની રથયાત્રા દરમિયાન રંગીલા પોલીસ ચોકી પાસે કોમી એકતાનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. અહીં મુસ્લિમ આગેવાનોએ મહંત દિલીપદાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સફેદ કબૂતર ઉડાડવામાં આવ્યા હતા, જે શાંતિ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે.