• શુક્રવાર, 17 જુલાઈ, 2026

વૃદ્ધ, ગંભીર બીમાર કેદીઓની સમયપૂર્વે મુક્તિ માટે નીતિ બનાવો ઃ સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતનો તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ

નવી દિલ્હી, તા. 16 સુપ્રીમ કોર્ટે જેલમાં બંધ કેદીઓ માટે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિશાનિર્દેશો જાહેર કરતા કહ્યું છે કે વૃદ્ધ અને ગંભીર બીમાર કેદીઓની સમયપૂર્વે મુક્તિ માટે રાજ્ય ત્રણ મહિનામાં નીતિ બનાવે. અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપ્યો છે કે ત્રણ મહિનાની અંદર એવી નીતિ તૈયાર કરે જેના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પીડિત, ગંભીર રીતે બીમાર અને શારીરિક રીતે અક્ષમ કેદીઓને માનવીય આધારે સમય પહેલાં જેલમાંથી મુક્તિ મળી શકે. મામલે વધુ સુનાવણી 19 જાન્યુઆરી, 2027ના રોજ કરવામાં આવશે.

જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચે આદેશ એક જનહિતની અરજી ઉપર સુનાવણી કરતા આપ્યો હતો. જેમાં કેદીઓની દયા અને માનવીય આધારે મુક્તિ માટે દેશભરમાં એકસમાન દિશાનિર્દેશ બનાવવા માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યોએ પોતાની નીતિ એસએલએસએ એટલે કે રાજ્ય વિધિક સેવા પ્રાધીકરણ સાથે પરામર્શ કરીને બનાવવી પડશે. જેનાથી પાત્ર કેદીઓની ઓળખ અને પ્રક્રિયામાં તાલમેલ રહી શકે.

અદાલતે નિર્દેશ આપ્યો હતો કે, નીતિમાં જેલમુક્તિ માટે સ્પષ્ટ પાત્ર માપદંડ નક્કી કરવામાં આવે. આવેદન, તપાસ અને નિર્ણયની પારદર્શકતા અને સમયબદ્ધ પ્રક્રિયા તૈયાર થાય. ટર્મિનલ ઇલનેસ એટલે કે ઠીક થઈ શકે તેવી બિમારીની એક સમાન પરિભાષા બનાવવામાં આવે. તેમજ માટે યુએનઓડીસી એટલે કે સંયુક્ત રાષ્ટ્ર માદક પદાર્થ અને અપરાધ કાર્યાલયના દિશાનિર્દેશોને આધાર બનાવી શકાય છે.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે, કેદીઓની સ્વાસ્થ્યની સ્થિતિનું નિષ્પક્ષ વિવરણ કરવા માટે સ્વતંત્ર મેડિકલ બોર્ડ બનવું જોઈએ. કોઈપણ કેદીને માત્ર પ્રશાસનિક વિલંબના કારણે પોતાનાં જીવનના અંતિમ દિવસો કે વર્ષ જેલમાં વિતાવવા મજબૂર કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે સાથે અંડરટ્રાયલ રિવ્યૂ કમિટીને પણ નિર્દેશ આપ્યો હતો કે સમયાંતરે એવા કેદીઓના મામલાની સમીક્ષા કરવામાં આવે જેઓ ગંભીર બીમારી અથવા ઉમરના કારણે શારીરિક અક્ષમતાનો સામનો કરી રહ્યા છે અને જરૂર પડે તો જામીન, પેરોલ અથવા સજામાં છૂટ જેવી ભલામણ કરવામાં આવે.

અદાલતે પોતાના આદેશમાં કહ્યું છે કે સમય પહેલા જેલમુક્તિની પૂરી પ્રક્રિયાને -પ્રીઝન્સ પોર્ટલ સાથે જોડવામાં આવે. જેનાથી આવેદન, મેડિકલ રિપોર્ટ, જેલ પ્રશાસનનો રિપોર્ટ અને મેડિકલ બોર્ડનું મંતવ્ય અને અંતિમ નિર્ણયની પૂરી જાણકારી નોંધાઈ શકે. હવે મામલે આગામી સુનાવણી 19 જાન્યુઆરી, 2027ના રોજ કરવામાં આવશે. જેમાં સુપ્રીમ કોર્ટ પોતાના નિર્દેશોના પાલનની સમીક્ષા કરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક