• મંગળવાર, 23 એપ્રિલ, 2024

એફઆરસીની મંજૂરી પહેલા ખાનગી શાળાઓ ફી વધારો ઝીંકવા થઈ સજ્જ સૌરાષ્ટ્ર ઝોનમાં ફી નિર્ધારણ સમિતિના સભ્યોની નવી નિમણૂક નહીં

ફી વધારાની દરખાસ્ત કરતી કેટલીક શાળાઓએ તગડો ફી વધારો વસૂલવા માંડયો

રાજકોટ, તા. 1 (ફૂલછાબ ન્યૂઝ) : હજુ ઉનાળાનું વેકેશેન પડયું નથી અને મોટાભાગની શાળાઓમાં પરીક્ષાનો માહોલ છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનની કેટલીક ખાનગી શાળાઓ ફી વધારો ઝીંકવા સજ્જ થઈ ગઈ છે. જેથી નવું સત્ર શરૂ થાય એ પહેલા જ વાલીઓમાં મૂંઝવણ વ્યાપી છે.

ખાનગી શાળાઓ મનઘડંત ફી વધારો લઈ ન શકે અને વાલી-વિદ્યાર્થીઓનું હિત જળવાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ફી નિર્ધારણ સમિતિની રચના કરી હતી. જેમાં ચેરમેન (નિવૃત્ત જજ) શિક્ષણ સદસ્ય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સિવિલ એન્જિનિયર, શાળા સંચાલક મંડળના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. ફી વધારો ઈચ્છતી ખાનગી શાળાઓએ આ એફઆરસી સમક્ષ દરખાસ્ત કરવાની રહે છે અને એફઆરસીની મંજૂરી બાદ જ ફી વધારો કરી શકે છે. જોકે સૌરાષ્ટ્ર ઝોનની ફી નિર્ધારણ સમિતિમાં સભ્યોની ટર્મ પૂરી થયા બાદ નવી નિમણૂક થઈ નથી. હાલમાં માત્ર ચેરમેન અને શિક્ષણ સદસ્ય એમ બે જ સભ્યો કાર્યરત છે.

બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનમાંથી સેંકડો ખાનગી શાળાઓએ એફઆરસી સમક્ષ ફી વધારાની દરખાસ્ત લાંબા સમયથી કરી છે પરંતુ એફઆરસીમાં સભ્યો ન હોવાથી દરખાસ્તો પર અમલવારી થતી નથી. એવામાં ફી વધારો ઝંખતી શાળાઓએ પોતાની રીતે ફી વસૂલવા લાગી હોવાનો કચવાટ વાલીઓમાં ફેલાયો છે.

રાજકોટમાં ખાસ કરીને ધો. 11 સાયન્સની કેટલીક શાળાઓમાં પરિણામ પહેલા જ પ્રવેશ ચાલુ થઈ ગયા છે. આ ઉપરાંત પણ કેટલીક શાળાઓ ફી વધારો લેવા માંડી છે. આવી શાળાઓ વાલીઓને એવું કહે છે કે હાલમાં તમે વધારા સાથેની ફી ચૂકવી આપો, જો એફઆરસી વધારો મંજૂર નહીં કરે તો એટલી રકમ અમે પાછી આપી દેશું. જોકે એક વખત ચૂકવ્યા બાદ ભાગ્યે જ વાલીઓને આ રકમ પાછી મળે છે. એક અંદાજ મુજબ સૌરાષ્ટ્ર ઝોનની 500 જેટલી ખાનગી શાળાઓએ 2 હજારથી 10 હજાર રૂપિયા સુધીના ફી વધારાની દરખાસ્ત કરી છે.

હાલમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા ચાલતી હોવાથી જુન મહિના સુધી એફઆરસીમાં સભ્યોની નિમણૂક થવાની શક્યતા નથી ત્યારે જૂનમાં નવા શૈક્ષણિક સત્રમાં જ્યારે વાલીઓએ ફી ચૂકવવાની આવશે ત્યારે શું સ્થિતિ હશે તેની કલ્પના જ કરવી રહી.

બીજી તરફ રાજ્ય સરકારના નિયમ મુજબ 15 હજાર, 25 હજાર અને 30 હજારની મર્યાદાની અંદર ફી લેતી સૌરાષ્ટ્રની 4 હજાર જેટલી ખાનગી શાળાઓએ એફીડેવીટ કરીને પ્રમાણિત કર્યું છે કે પોતે સરકારી મર્યાદાથી વધારે ફી લઈ રહી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક