• શુક્રવાર, 01 નવેમ્બર, 2024

તળાજામાં NOC વગર ફટાકડા વેચતી લારીઓ બંધ કરાવાઈ

મામલતદાર, ફાયર ટીમ ફટાકડાની લારીઓ બંધ કરાવીને નીકળી ત્યાં ફરી વેચાણ ચાલુ!

તળાજા, તા.30 : છેલ્લા ચારેક દિવસથી તળાજાની દરેક બજારમાં ફટાકડાની લારીઓ અને થડા જોવા મળતા હતા. જેને લઈ સંબંધિત વિભાગોએ હપ્તા નક્કી કર્યા હોવાની છાપ જન માનસમાં ઉભી થતી હતી ત્યારે આજે મામલતદાર અને ફાયર અધિકારીએ ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. જેમાં ગઘઈ વગર જ સૌ કોઈ ફટાકડા વેચતા હોવાનું ફલિત થયું હતું! શાક માર્કેટ, ગોપનાથ રોડ, વાવચોક, મુખ્ય બજાર રોડ સહિત ઠેકઠેકાણે હજારો લાખ્ખો રૂપિયાની કિંમતના ફટાકડાઓ ભરીને લારીઓ અને થડા કાયદાની ઐસીતૈસી કરીને વેચાણ કરતા હતા. છેલ્લા પાંચેક દિવસથી રાડો પાડીપાડીને ફટાકડાનું વેચાણ થતું હતું પરંતુ તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકામાં હતું. જો કે આજે તંત્ર આવી લારીઓ બંધ કરાવવા નીકળ્યું હતું પરંતુ તેમના ગયા બાદ ફરી ફટાકડાનાં વેચાણ શરૂ થઈ ગયાં હતાં. 

આજે તળાજા મામલતદાર અને ફાયર ઓફિસર દ્વારા ફટાકડા વેચતા લારી અને થડા ધારકોના સ્થળે રૂબરૂ જઇ ગઘઈ માગતા કોઈ પાસે હતી નહીં. જેને લઈ ફટાકડાનું વેચાણ ગેરકાયદેસર રીતે ન કરવા આદેશ કર્યો હતો. અધિકારીઓની ટીમ જતા ફરીને રાબેતા મુજબ જ ફટાકડા વેચાવા લાગ્યા હતા.

ના.મામલતદાર ગોહિલએ જણાવ્યું હતું કે, ગઘઈ વગર ફટાકડા વેચાણનો પરવાનો કોણે આપ્યો તેનું મૂળ ક્યાં છે તે તપાસ કરી રહ્યા છીએ!.

ઇ-પેપરના નવા શુલ્ક