તળાજા, તા.9 : ઉંચડી ગામે રહેતા
સાધુ પરિવારના અને ભીક્ષાવૃત્તિ કરી રખડતું ભટકતું જીવન જીવતા માનદાસ નારણદાસ મકવાણા
નામના યુવાનની જૂના શોભાવડ જતા રસ્તામાં આવતા ચેકડેમ નજીકથી હત્યા કરાયેલી હાલતમાં
લાશ મળી આવી હતી. આ બનાવ અંગેની જાણ થતા મૃતક માનદાસના પરિવારજનો અને પોલીસ કાફલો દોડી
ગયો હતો અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.
આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી
તપાસમાં મૃતક માનદાસ રખડુ જીવન જીવતો હતો અને દારૂ પીવાની આદત હતી. પોલીસે મૃતક માનદાસની
ઉઠક બેઠકના સ્થળે તેમજ તેની સાથે ફરતા શખસો અંગે તપાસ હાથ ધરી હતી અને અનેક શકમંદોની
પૂછતાછ કરી હતી.
દરમિયાન બનાવના દિવસે મૃતક માનદાસ દીનદયાળનગરમાં રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો લાખા
રાઠોડ, શૈલેષ ઉર્ફે સલો મના ભાલિયા અને ખદરપરના સુરપાલસિંહ ઉર્ફે સુરો રઘુભા ગોહિલ
સાથે દારૂની મહેફિલ માણી હતી અને ચારેય નશામાં ચકચૂર બન્યા હતા ત્યારે સુરપાલસિંહ અને
મૃતક માનદાસ વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં ત્રણેયે એક સંપ કરી માનદાસની બોથડ પદાર્થના
ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે મૃતકના ભાઈ વલ્લભદાસ મકવાણાની ફરિયાદ
પરથી ત્રણેય શખસ સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી
હતી.