• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

સુરતમાં ધો.10ની છાત્રાએ છઠ્ઠા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત આત્મહત્યાનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી

સુરત, તા.8: સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીએ ગત રાત્રે ઘરથી 4 કિમી દૂર જઈ એક બાંધકામ સાઈટના છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભેસ્તાન વિસ્તારમાં રહેતી અશ્વિતા ડામોર (ઉં.16) ધો.10માં અભ્યાસ કરતી હતી. ગતરાત્રે વિદ્યાર્થીનીએ પોતાના ઘરેથી 4 કિલોમીટર દૂર એક બાંધકામ સાઈટ પર જઈને છઠ્ઠા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી છે. અહીં રહેતા સિક્યોરિટી ગાર્ડે તેને જોઈને બૂમો પણ પાડી પરંતુ તે કોઈ કાર્યવાહી કરે એ પહેલા છઠ્ઠા માળે જઈ અને કૂદી ગઈ હતી.

ગત સાંજે ટયુશનથી આવ્યા બાદ અશ્વિતાએ તેની બહેનપણીના ઘરે જાઉં છું તેવું કહ્યું હતું પરંતુ રાત્રે પરત આવી નહોતી અને ફોન પણ બંધ આવતા પરિવારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા જ પોલીસે ફોન લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી. લોકેશન પાંડેસરા વિસ્તારમાં મળતા પાંડેસરા અને ભેસ્તાન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે અશ્વિતાનો મૃતદેહ જોઈ તાત્કાલિક પરિવારને જાણ કરતા પિતા હિતેશભાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. દીકરીનો મૃતદેહ જોઈ પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિની ભેસ્તાનથી ઓટોમાં પાંડેસરાના તિરૂપતિ સર્કલ સુધી આવી ત્યાંથી ચાલીને બાંધકામ સાઈટ પર પહોંચીને છઠ્ઠા માળેથી તેણે કૂદકો માર્યો હતો. આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીના મોબાઈલ ફોન અને તેના સંપર્કોની પણ તપાસ ચાલી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક