• રવિવાર, 31 ઑગસ્ટ, 2025

મેંદરડામાં વાડીના ગોડાઉનમાં ધમધમતી જુગાર કલબ પર દરોડો : 40ની ધરપકડ

રોકડ, 33 મોબાઈલ, 23 બાઈક, કાર સહિત 19.64 લાખનો મુદામાલ જપ્ત

જૂનાગઢ, તા.13: જૂનાગઢના મેંદરડાની વાડીના ગોડાઉનમાં ચાલતા જુગારના અખાડા ઉપર એલસીબીએ દરોડો પાડી રૂ.2 લાખની રોકડ સહિત રૂ.19,64,000ના મુદ્દામાલ સાથે વાડી માલિક સહીત 40 શખસને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેંદરડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લવ સોલંકીના ખેતરના ગોડાઉનમાં મસમોટો જુગારનો અખાડો ચાલતો હોવાની ચોક્કસ બાતમી આધારે લોકલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી જુગાર પટ્ટમાંથી 2 લાખ રોકડ અને રૂ.4,33,000ના 33 મોબાઈલ તેમજ 23 બાઈક અને 1 કાર સહિત કુલ રૂ.19,64,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દરોડો પાડી વાડી માલિક લવ સોલંકી, તેનો ભાગીદાર મઘરવાડાનો ઉત્સવ હમીર, જોરૂ ખુમાણ, જયદીપ કુકડિયા સહિત 40 શખસને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોરઠમાં શ્રાવણિયા જુગારમાં આ સૌથી મોટો દરોડો ગણાવાય છે. એક સાથે 40 જુગારીઓને ઝડપી ક્રાઈમ બ્રાંચે લવાતા જિલ્લા પોલીસ વડા દોડી આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક