• સોમવાર, 01 સપ્ટેમ્બર, 2025

વેપાર સમજૂતીની વાટાઘાટમાં ભારતનું વલણ હઠીલું : અમેરિકા

અમેરિકાને હજી પણ ભારત સાથે સમજૂતી થવાની આશા

 

નવી દિલ્હી, તા.13: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર ભારેખમ ટેરિફ લગાવી દીધો છે પણ હજીય અમેરિકાને ઉમેદ છે કે, ભારત સાથે તેની વેપાર સમજૂતી થઈ શકે છે. જો કે અમેરિકાનાં નાણા મંત્રી સ્કોટ બેસેંટે અકે નિવેદનમાં આનો સંકેત આપવા સાથે ભારતનાં વલણની આલોચના પણ કરી હતી અને કહ્યું હતું કે, ભારતનો અભિગમ વાટાઘાટમાં થોડો જડ છે.  બેસેંટે કહ્યું હતું કે, અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં ભારતે હઠીલું વલણ અપનાવેલું છે. તેનાં હિસાબે ભારત ઉપરાંત સ્વિત્ઝર્લેંડ સહિતનાં કેટલાક દેશો સાથે અમેરિકાની વેપાર સમજૂતી માટેની સહમતી થવી અટકેલી છે. ઓક્ટોબર સુધીમાં ટેરિફની ચર્ચા થઈ જશે અને મને લાગે છે કે, અમે સારી સ્થિતિમાં છીએ.

 

અમેરિકા અને ભારતીય સેનાની સંયુક્ત યુદ્ધ કવાયત

 

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટેરિફનાં વિવાદ વચ્ચે રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે બેઠકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બેઠક અલાસ્કામાં યોજાવાની છે. ત્યારે રસપ્રદ ઘટનાક્રમ એવો રચાઈ રહ્યો છે કે, અલાસ્કામાં જ ભારત અને અમેરિકાની સેનાઓ એક મોટો યુદ્ધાભ્યાસ કરવા જઈ રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યા બાદ ભારત અને અમેરિકાની સેના વચ્ચે આ પહેલી કવાયત યોજાવા જઈ રહી છે. આ અભ્યાસ 1 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે.

 

ભારત, પાક. સાથે સંબંધોમાં કોઈ જ બદલાવ આવ્યો નથી : અમેરિકા

 

મુનીરની પરમાણુ યુદ્ધની ધમકીઓ પછી ટ્રમ્પ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી સ્પષ્ટતા

નવીદિલ્હી,તા.13: અમેરિકાની યાત્રામાં પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે પરમાણુ યુદ્ધની ધમકી સાથે ભારત વિરુદ્ધ કરેલા બફાટ બાદ ભારત સરકારે મિત્ર દેશ અમેરિકાની જમીન ઉપરથી આવી હરકતોને વખોડી કાઢી હતી. જેનાં ઉપર હવે અમેરિકાની પણ સત્તાવાર સ્પષ્ટતા આવી ગઈ છે. અમેરિકાનાં વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાન સાથે અમેરિકાનાં સંબંધોમાં કોઈ જ બદલાવ આવ્યો નથી.

અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ટેમી બ્રુસે કહ્યું હતું કે, અમેરિકાની વિદેશ નીતિ બન્ને દેશો પ્રત્યે સમાનરૂપે પ્રતિબદ્ધ છે. આ સાથે જ તેમણે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં દાવાને પણ દોહરાવ્યો હતો અને કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ પછી અમેરિકાની સમાધાનમાં ભૂમિકા ગર્વની ઘડી હતી. તેમણે કહ્યું કે, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સાથે મળીને હુમલા રોકવા અને બન્ને પક્ષોને સાથે લાવવાનું કામ કર્યુ હતું. જે અમેરિકા માટે ગર્વની વાત છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક