• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

જમીનના પ્લોટના બહાને પાંચ વ્યકિત સાથે રૂ.પ.33 લાખની ઠગાઈ

ચીટરે રૈયાધારમાં સાત વ્યકિતને શીશામાં ઉતાર્યા’તા : શોધખોળ

રાજકોટ, તા.ર9 : રૈયાધાર વિસ્તારમાં સાત વ્યકિતને સરકારી જમીનનો પ્લોટ સસ્તામાં અપાવવાના બહાને રૂ.પ.રપ લાખની ઠગાઈ કર્યાની કાલાવડ રોડ પર રહેતા ચીટર દંપતી વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યાં જ આ ચીટરે વધુ પાચ વ્યકિતને પ્લોટ અપાવવાના બહાને રૂ.પ.33 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, મુળ પં.બંગાળના અને હાલમાં કુવાડવા રોડ પર એલ.પી.પાર્કમાં અંકુર કુંગશીયાના મકાનમાં ભાડે રહેતા વી.કે.જવેલર્સમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા નવરતનભાઈ મોતીલાલ હર્ષ નામના આધેડએ કાલાવડ રોડ પર કદમ હાઈટસમાં રહેતા મનહર રવજી ત્રાડા નામના શખસ વિરુધ્ધ રૂ.પ.33 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

આ બનાવ અંગે પોલીસે હાથ ધરેલી તપાસમાં નવરતન હર્ષ નામના આધેડ સાથે પરીચય ધરાવતા અને સંતકબીર રોડ પર રહેતા સંજય જાના નામના મિત્રએ તેના ઓળખીતા મનહર ત્રાડા દ્વારા કણકોટ પાસે રૂ.પ0 હજારમાં 100 વારનો પ્લોટ અપાવવામાં આવતો હોવાની વાત કરી હતી અને બાદમાં મનહર ત્રાડાનો પરીચય કરાવ્યો હતો અને જમીનના પ્લોટ બાબતની વાત કરતા નવરતન હર્ષએ રૂ.1 લાખની રકમ આપી બે પ્લોટ બુક કરાવ્યા હતા અને સંજય જાનાએ દાગીના ગીરવે મુકી એક લાખની રકમ આપી હતી તેમજ જતીન જેન્તી ખુટએ રૂ.73 હજાર આપી બે પ્લોટ, શ્વેતાબેન રોહીત મારુએ રૂ.30 હજાર આપી એક પ્લોટ, રાજેશ સોલંકીએ રૂ.90 હજાર આપી ત્રણ પ્લોટ મળી કુલ રૂ.પ.33 લાખની રકમ લઈ લીધા બાદ ફરાર થઈ ગયો હતો અને ઠગાઈ કરવામાં આવી

હોવાનું જણાતા ફરિયાદ નોંધાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રૈયાધારમાં રહેતી પદ્માબેન સોલંકી સહિત સાત વ્યકિતઓ સાથે સરકારી પ્લોટ સસ્તામાં અપાવી દેવાના બહાને રૂ.પ.રપ લાખની ઠગાઈ કરવામાં આવતા મનહર ત્રાડા તેની પત્ની ખુશબુ મનહર ત્રાડા વિરુધ્ધ ગાંધીગ્રામ યુનિ.પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક