• શુક્રવાર, 31 ઑક્ટોબર, 2025

રાજુલા : ધાતરવડી નદીમાંથી વધુ બેનાં મૃતદેહ મળ્યા

અમરેલી, તા.30: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં મંગળવારે અકસ્માતે પડેલા ત્રણ સગા ભાઈઓ તથા કૌટુંબિક બનેવી સહિત 4 લોકો ચેકડેમના પાણીમાં ગરક થઈ જવા પામ્યા હતા. તે પૈકી ગઇકાલે એક સાળા તથા કૌટુંબિક બનેવીના મૃતદેહ મળી આવ્યા બાદ આજે વધુ બે મૃતદેહ અમરેલી ફાયર ટીમે  શોધી કાઢયા હતા.

મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના બર્બટાણાના ગામે રહેતા અલ્પેશ ખીમાભાઇ પરમાર તથા તેમનાં ભાઇ મેરામભાઇ ખીમાભાઇ પરમાર, કાનાભાઇ ખીમાભાઇ પરમાર, ભરતભાઈ ખીમાભાઇ પરમાર તેમજ તેમનાં કૌટુંબિક બનેવી પિન્ટુભાઈ ઉર્ફે હિંમતભાઈ પાંચાભાઈ વાઘેલા સહિતના લોકો ગઈકાલે ધારેશ્વર ગામેથી આગરીયા ગામે જવા માટે ગત મંગળવારે બપોર દરમ્યાન ધારેશ્વર ગામે ધાતરવડી ડેમના કોજવે પાસે નદીના કોઝવે ઉપરથી પસાર થતા તે દરમ્યાન પાણીના પ્રવાહમાં ભરતભાઇ ખીમાભાઇ પરમાર અચાનક પાણીમાં તણાઇ જતા તેમનાં ભાઇઓ મેરામભાઇ, કાનાભાઇ તથા ભરતભાઈ અને કૌટુંબિક બનેવી પિન્ટુભાઈ વિગેરે ડુબી રહેલા હિંમતભાઇને બચાવવા જતા તેઓ પણ પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

આ બનાવમાં ગઇકાલે સવારે એન.ડી.આર.એફ. તથા અમરેલી ફાયર ટીમે મેરામભાઇ ખીમાભાઇ પરમારનો મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

જ્યારે બપોરના સમયે વધુ એક મૃતદેહ પીન્ટુભાઇ પાંચાભાઇ વાઘેલાનો બનાવ સ્થળથી લગભગ 8 કી.મી. દુર ઝાપોદર ગામના પાદરમાંથી મળી આવ્યો હતો અને આજે સવારે ફરી એક વખત ફાયર ટીમ દ્વારા ચાલુ વરસાદમાં પણ બચાવ કામગીરી શરૂ કરતા કાનાભાઈ ખીમાભાઈ પરમાર તથા ભરત ખીમાભાઇ પરમારના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે એક જ પરિવારમાં ચાર ચાર લોકોના ડૂબી જવાથી મૃત્યુ નિપજતા મૃતકના પરિવારમાં ભારે ગમગીની છવાઇ જવા પામેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક