ધ્રાંગધ્રા, તા.30: ધ્રાંગધ્રા તાલુકાના ધ્રુમઠ ગામ નજીક પાવરગ્રીડ કંપનીના કર્મચારી સીંગલ પટ્ટી રોડ ઉપર કોઈપણ સેફ્ટીના બોડ લગાવ્યા વગર રોડ પર ટ્રેક્ટર ઉભું રાખીને કામ કરી રહ્યા હતા તે સમયે મોટરસાયકલ ટ્રેક્ટર સાથે અથડાતા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી
વિગત મુજબ, ધ્રુમઠ ગામ નજીક પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ વીજપોલનું કામ કરી રહ્યા હતા.
કામ દરમિયાન કંપનીના ટ્રેક્ટર અને જનરેટર સીંગલ પટ્ટી રોડના વચોવચ ઉભા રાખવામાં આવ્યા
હતા પરંતુ કામગીરીની જાણકારી માટે કોઈપણ પ્રકારના સેફ્ટી બોર્ડ, ચેતવણી ચિહ્ન કે બેરીકેડ
લગાવવામાં આવ્યા ન હતા. તે સમયે ધ્રાંગધ્રા તરફથી પસાર થતા જુસબભાઈ સીપાઈ પોતાની મોટરસાયકલ
પર જઈ રહ્યા હતા. રોડ વળાંક પર હોવાને કારણે મોટરસાયકલ ટ્રેક્ટર સાથે અથડાતા અકસ્માત
થતા ઈસ્માઈલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને ધ્રાંગધ્રા
સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ત્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના
કૌટુંબીક ભત્રીજા આશીફભાઈ રસુલભાઈ સીપાઈની ફરિયાદ પરથી પોલીસે ટ્રેક્ટરના ચાલક વિરૂદ્ધ
ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 
 
                            
                         
			   
                 
                                                                     
                     
                                     
                                    