• શનિવાર, 14 સપ્ટેમ્બર, 2024

બાંગલાદેશ સાથેની સીમાએ વધુ કડક જાપ્તો અનિવાર્ય

ભારત-બાંગલાદેશ સાથેની સરહદ પરથી મોટાપાયે ઘૂસણખોરીની આશંકા વધી રહી છે. બાંગલાદેશમાં સત્તા પલટાના ઘટનાક્રમ બાદ ભારત સાથેના સંબંધોના મામલે વિવિધ અટકળો જાગી  રહી  છે, તે દરમ્યાન બાંગલાદેશીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના સરનામા સમાન ભારતનું આકર્ષણ હવે શાંતિની શોધ માટેનું લક્ષ્ય બની રહ્યંy છે. વડાપ્રધાન શેખ હસીનાએ જે રીતે રાજીનામું આપીને ગણતરીના કલાકોમાં ભારતમાં આશ્રય લીધો તે રીતે ત્યાંની હિંસાથી અસર પામેલા હજારો બાંગલાદેશીઓએ હવે ભારતમાં પ્રવેશવા સરહદોનો માર્ગ લીધો છે.

બાંગલાદેશમાં જ્યારે જ્યારે અશાંતિ ફેલાય છે ત્યારે ત્યારે ત્યાંથી લોકો સરહદ માર્ગે ભારતમાં ગેરકાયદે ઘૂસવા ઊમટી પડતા હોય છે. આમ તો આ સરહદોએ બાંગલાદેશીઓની ઘૂસણખોરી સતત ચાલતી રહે છે, પણ આ વખતે રાજકીય ઊથલપાથલને પગલે સંખ્યાબંધ બાંગલાદેશીઓ હવે ભારતમાં પ્રવેશવા ઉત્સુક બન્યા છે.

ભારતના ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય અને મિઝોરમ રાજ્યોની સરહદો બાંગલાદેશને લાગે છે. આ રાજ્યોમાં આમે પણ બાંગલાદેશી ઘૂસણખોરોની ગેરકાયદે વસ્તીનાં વધી રહેલાં પ્રમાણથી ચિંતાજનક સ્થિતિ સર્જાયેલી જ છે. હવે આમાં વધારો થાય તો હાલત વધુ બદતર બની શકે તેમ છે. આમ સરહદે જાપ્તો વધારવાની તાતી જરૂરત વર્તાઇ રહી છે.

ખાસ તો બાંગલાદેશની નવી રચાયેલી સરકાર પર પાકિસ્તાનના ટેકેદાર જમાને ઇસ્લામી અને કટ્ટરતાવાદી સંગઠનનો સીધો પ્રભાવ જણાય છે. તેનાથી સ્પષ્ટ છે કે, આ સરકાર ભારત તરફ મિત્રતાભર્યું સહજ વલણ જાળવે એવી શક્યતા બહુ ઓછી છે. શેખ હસીનાની સરકારે પર્વતીય વિસ્તારોમાં ભારત વિરોધી ઉગ્રવાદી સંગઠનોના તાલીમ કેમ્પો બંધ કરાવી દીધા હતા, તે ફરી ધમધમતા થાય એવી પૂરી શક્યતા જણાઇ રહી છે..

આમ તો બાંગલાદેશની અંદરની ઊથલપાથલ બાદ ભારતીય સરહદે સીમા સુરક્ષા દળ સાબદુ થયું છે. આ દિવસોમાં લગભગ 1,500 જેટલા બાંગલાદેશીઓને સરહદે રોકવામાં આવ્યા હોવાના અહેવાલ છે. સીમા દળના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ સરહદે સ્થિતિ ઝડપભેર થાળે પડી રહી છે, પણ આવનારા સમયમાં ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં સક્રિય ઉગ્રવાદી સંગઠનો બાંગલાદેશમાં પોતાના કેમ્પ ફરી ધમધમતા કરીને હુમલા કરે એવી આશંકા પણ વ્યક્ત થઇ રહી છે. આવામાં હાલનાં ઘૂસણખોરીનાં જોખમને ખાળવાની સાથોસાથ સીમા દળે સરહદે ઉગ્રવાદીઓના કોઇ પણ પ્રયાસને વિફળ બનાવવા વધુ અસરકારક અને લાંબાગાળાની વ્યૂહરચના ઘડી કાઢવી જોઇએ.

ભારતે બાંગલાદેશની અંદરના રાજકીય પરિમાણો પર નજર રાખવાની સાથોસાથ સરહદો પર પણ નજરને વધુ સતેજ બનાવવાની રહેશે. બાંગલાદેશ સાથેની સરહદ ઘૂસણખોરી અને દેશવિરોધી તત્ત્વો માટે બહુ સરળ મનાય છે. આવામાં પાકિસ્તાન પ્રેરિત તત્ત્વો આ નવો માર્ગ ઉપયોગમાં લેતા થાય નહીં તે પણ જોવાનું રહેશે. સરવાળે સરહદે હવે કાયમી ધોરણે વધુ ચુસ્ત બંદોબસ્ત અનિવાર્ય બન્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક