રાહુલ
ગાંધીનો અમેરિકા પ્રવાસ ભારતમાં ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. તેમના વિધાનો, વક્તવ્યો
વિદેશ પ્રવાસને વિવાદ પ્રવાસ તરફ દોરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિદેશ
જાય ત્યારે તેમના પ્રવચનો માટે કાન સદા સરવા રાખનાર અને તેમાંથી કોઈ મુદ્દા શોધી કાઢનાર
વર્ગ હજી સુધી રાહુલના શબ્દો માટે મૌન છે. રાહુલ હવે તો લોકસભાના વિરોધપક્ષના નેતા
છે તે ન હોત તો પણ રાજકીય વ્યક્તિ તરીકે, ભારતના નાગરિક તરીકે તેમને સરકાર કે વિપક્ષ
વિશે કંઈ બોલવાનો અધિકાર હોય પરંતુ તે અધિકારનો ઉપયોગ ભારતની ધરતી પર કરવાનો હોય. પરદેશ
જઈને અહીંની વાત કરવા પાછળ કોઈ તર્ક નથી. રાહુલ વિદેશમાં જઈને વિવેક ચૂકી રહ્યા હોવાની
છાપ ઘેરી બની રહી છે.
અમેરિકાના
ત્રિદિવસીય પ્રવાસ દરમિયાન ટેક્સાસમાં રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં ઈન્ડિયન ઓવરસિઝ કોંગ્રેસના
મોભી સેમ પિત્રોડાએ કહ્યું કે રાહુલ ગાંધી શિક્ષિત, કોઈ પણ વિષયને ઊંડાણથી જોનારા છે
તેઓ ‘પપ્પુ’ નથી. જો કે થોડા જ સમયમાં રાહુલ ગાંધીએ ચીનના વખાણ કર્યાં ત્યારે શ્રોતાઓ
અચંબામાં પડી ગયા. તેમણે કહ્યું કે વિશ્વસ્તરે ઉત્પાદનમાં ચીનનું વર્ચસ છે. ભારત અને
અમેરિકા બેરોજગારીની સમસ્યાનો પડકાર અનુભવી રહ્યા છે. રાહુલે ત્યાં, અમેરિકામાં કહ્યું
કે ભારતની વિચારસરણી વૈવિધ્યમાં ઐક્યની છે. કોઈ એક જ વિચારધારાને આધીન આ દેશ નથી. તેલુગુ, તમિલ, મલયાલમ ભાષા બોલનાર સમુદાય પર હિન્દી
ભાષા લાદવામાં આવી રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો.
વિકાસના
ફળ અહીં અનુસૂચિત જાતિ-જનજાતિ, આદિવાસીઓ સુધી નથી પહોંચતા તેવો તેમનો સંકેત છે. જાતિ
આધારિત જનગણના તો થશે જ તેવો પુનરોચ્ચાર તેમણે ત્યાં પણ કર્યો. ભારતમાં વિવિધ સંસ્થા,
ન્યાયપાલિકા પર મુઠ્ઠીભર લોકો એટલે કે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો કબજો છે
તેવો આક્ષેપ રાહુલે કર્યો છે. શીખ સમુદાય, લઘુમતી વગેરે વિષય પર તેમણે કરેલા નિવેદનો
સ્વાભાવિક રીતે આશ્ચર્ય પમાડે તેવા છે. અહીં સંસદમાં તેમણે કહ્યું હતું એમ જ વિવિધ
ધર્મ-સંપ્રદાયના ઈશ્વર, અવતારના ઉદાહરણ આપીને તેમણે કહ્યું કે કોઈથી ડરવાની જરૂર નથી.
વિદેશની ધરતી પર આ બધી વાતની પ્રસ્તુતતા હતી ?
ભારતમાં
તેઓ કેન્દ્ર સરકાર, વડાપ્રધાન, ભાજપની વિરુદ્ધ કંઈ પણ બોલે તે સમજી શકાય પરંતુ બહાર
વસતા ભારતીયોની વચ્ચે આ મુદ્દા લઈ જવાનો કોઈ અર્થ નથી. સૌને સમાન તક મળે નહીં ત્યાં
સુધી ભારતમાંથી અનામત પ્રથા દૂર નહીં થાય તે મુદ્દો અમેરિકામાં છંછેડવાનો કોઈ અર્થ
નથી. લોકસભાની છેલ્લી ચૂંટણી પછી રાહુલ ભારતમાં લોકોની વચ્ચે વધારે દેખાઈ રહ્યા છે.
પરદેશની ધરતી પર આવું બધું બોલી તેઓ પોતાની જ પ્રતિષ્ઠા સામે પ્રશ્નો કરી રહ્યા છે.
રાહુલ કે કોઈ પણ નેતા જ્યારે વિદેશ જાય ત્યારે ભારતના આંતરિક પ્રશ્નો કે સ્થિતિ વિશે
કંઈ બોલતાં પહેલાં તેમણે પુનર્વિચાર કરવો જોઈએ.