• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

‘ઈન્ડિયા’ ગઠબંધનના નેતા કોણ ?

તૃણમૂલ કૉંગ્રેસ પક્ષનાં અધ્યક્ષ મમતા બેનરજીને વિપક્ષોના ગઠબંધન ‘ઈન્ડિયાની કમાન સોંપવાની માગ કરી છે. પક્ષના સાંસદ કીર્તિ આઝાદ કહે છે કે, આ પદ માટે તેઓ સૌથી શ્રેષ્ઠ છે, તેઓ એકમાત્ર નેતા છે જેઓએ વારંવાર ભાજપનો પરાજય કર્યો છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી પણ ‘ઈન્ડિયાનું નેતૃત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યાં છે. આ પછી ગઠબંધનમાં સામેલ શરદ પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે સમર્થન કરતાં તેમને એક સક્ષમ નેતા ગણાવ્યાં છે. આઝાદે જણાવ્યું છે કે, હાલમાં ‘ઈન્ડિયામાં નેતૃત્વ પરિવર્તનની અનિવાર્યતાના મુદ્દા પર ચર્ચા ચાલી રહી છે.

પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રથી આવી રહેલા અહેવાલોથી પણ સ્પષ્ટ થાય છે કે ‘ઈન્ડિયામાં બધું બરાબર નથી. ચૂંટણીઓમાં સતત નિષ્ફળતાથી ઊભી થયેલી બેચેની ગઠબંધન પર ભારે પડી રહી છે. તૃણમૂલ કૉંગ્રેસનાં અધ્યક્ષ મમતા બેનરજીએ ‘ઈન્ડિયાનું નેતૃત્વ કરવાની ઈચ્છા જાહેર કરી તે પણ ઘણું બધું કહી જાય છે. પવાર-મમતાની નારાજગી ગઠબંધનના નેતૃત્વ અને કૉંગ્રેસ સામે છે. વિપક્ષમાં સૌથી વધુ કમી આમ સહમતિની છે! આ વાત શિયાળુ સત્રમાં સિદ્ધ થઈ ગઈ, જ્યારે અસલી મુદ્દા અંગે કૉંગ્રેસ અને તૃણમૂલે અલગ અલગ માર્ગ પકડયા. વિરોધાભાસ એ છે કે કૉંગ્રેસ ખુદને વિપક્ષ ગઠબંધનની નેતા માને છે. છ મહિના પહેલાં થયેલી લોકસભા ચૂંટણી પછી વિપક્ષનો રાજકીય પ્રભાવ અને લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. હાલની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને પેટા ચૂંટણીમાં વિપક્ષ નિષ્ફળ રહ્યો છે. હવે ‘ઈન્ડિયાએ ભાજપ અને એનડીએનો મુકાબલો કરવા માટે પોતાની વ્યૂહરચના અંગે ફેરવિચારણા કરવી પડશે. પરસ્પર સહયોગના બદલે ‘ઈન્ડિયાના નેતાઓમાં વિરોધાભાસ છે અને દિલથી એકબીજાની મદદ કરવાની, સહકાર આપવાની માનસિકતા નથી. ગઠબંધનમાં સભ્યોની ભાવના અરસપરસની સમજૂતી અને સહકારની હોવી જોઈએ. અહીં કોણ સમજૂતી કરશે? અત્યાર સુધી એમ જ બન્યું છે કે જ્યાં જે શક્તિશાળી હતા, ત્યાં બીજા સહયોગી પક્ષોને પોતાની વાત મનાવવાનો કક્કો ખરો હોવાનું બતાવવાના પ્રયાસ કર્યા. કૉંગ્રેસ પર સૌથી મોટો આક્ષેપ આ જ છે.

ઈન્ડિ મોરચાના પક્ષો પોતાનું હિત સાધવાને પ્રાથમિક્તા આપે છે. આ ઉપરાંત, બધાની પોતાની જુદી જુદી રાજનીતિ અને ચૂંટણી વ્યૂહરચના છે. પોતાના કિલ્લામાં બીજાને પ્રવેશ આપવા કોઈ નથી ઈચ્છતું. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને બંગાળમાં મમતા બેનરજી કૉંગ્રેસને કોઈ છૂટ આપવા નથી ઈચ્છતાં. ‘ઈન્ડિયાના નેતા મોદી અને ભાજપથી ટક્કર લેવાની વાત તો કરે છે, પરંતુ તેઓમાં એકતા જ નથી.

આજની રાજનીતિમાં વર્ષો જૂની રીતરસમો કામમાં નથી આવતી. મહારાષ્ટ્રમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના પક્ષો તૂટયા, કારણ કે તે ભાજપની ચાલને સમજી શક્યા નહીં. વિધાનસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની હાલત એટલી નબળી થઈ ગઈ છે કે તેઓ મમતાના નેતૃત્વ ભણી તાકવા લાગ્યા છે. તેમણે સમજવું જોઈએ કે તૃણમૂલ નેતાનો બધો પ્રભાવ ફક્ત બંગાળમાં છે. મમતાની છબી કેન્દ્રીય સ્તરના નેતાની નથી. તેમનો આવેશપૂર્ણ અને એકાધિકારી સ્વભાવ વિપક્ષ એકતામાં સામંજસ્ય લાવવાના બદલે બાધક બની શકે છે. સંગઠનાત્મક શક્તિ વધાર્યા વિના વિપક્ષી ગઠબંધન આગળ ન વધી શકે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025