પાકિસ્તાનની
કોર્ટે પૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરાબીબીને જમીન કૌભાંડ આચરવા
તેમ જ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવીને ઈમરાન ખાનને 14 વર્ષની અને બુશરાબીબીને સાત
વર્ષની સજા ફટકારી છે. બન્નેને કેદની સજા ઉપરાંત દંડ કરાયો છે, ઈમરાન ખાનને રૂા.
10 લાખનો અને બુશરાબીબીને રૂા. પાંચ લાખનો દંડ છે. જો તેઓ દંડ નહીં ભરે તો ઈમરાન ખાનને
વધુ છ મહિના અને બુશરાબીબીને વધુ ત્રણ મહિના જેલની સજા થશે.
વાસ્તવમાં
ઈમરાનને મળેલી જેલની સજા સનસનાટીપૂર્ણ અને અફસોસજનક છે. આમ તો આ સજા બિલકુલ ચોંકાવનારી
નથી, કારણ કે પૂર્વ વડા પ્રધાનો પ્રતિ દ્વેષનો ભાવ પાકિસ્તાનમાં કોઈ નવી વાત નથી. અગાઉ
એક વડા પ્રધાનને ફાંસી સુધીની સજા થઈ ચૂકી છે. અત: ઈમરાન ખાનની હાલત પર ફક્ત અફસોસ
વ્યક્ત કરી શકાય. ખરેખર તો પાકિસ્તાની નેતાઓએ જે વાવ્યું છે, તેના ફળ ભોગવવા પડે છે,
જે લોકો આજે પાકિસ્તાનની સત્તામાં છે, તેઓને પણ પોતાના ભવિષ્યને લઈ ખૂબ આશ્વસ્ત નહીં
રહેવું જોઈએ. આ કોઈ પણ લોકતાંત્રિક દેશ માટે એક દુ:ખદ પરિપાટી છે કે ભૂતકાળમાં દેશની
કમાન સંભાળનારા ટોચના નેતાઓ સાથે પણ અન્યાય થવા લાગ્યો છે. આ પહેલાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ
પરવેઝ મુશર્રફને પણ દેશ છોડી ભાગવું પડયું હતું. શું આ ઈમરાન ખાનની ભૂલ હતી કે તેમણે
દેશમાં જ રહીને ન્યાય માટે લડવાનો નિર્ણય લીધો?
ઈમરાન
લગભગ દોઢ વર્ષથી રાવલપિંડીના ગૈરીસન શહેરની એક જેલમાં છે અને જેલમાં જ તેમના કેસોની
સુનાવણી ચાલી રહી હતી. જેલમાં સુનાવણીનું એક મોટું કારણ જેલની બહાર ઇમરાન ખાનના સમર્થકોની
સંખ્યા ભારે પ્રમાણમાં હોવાનું છે. ઈમરાન નિર્દોષ હોય તો તેમના વકીલોએ પૂરતા પુરાવાઓ
સાથે ઉપલી કોર્ટમાં અપીલ કરવી જોઈએ. જો ઈમરાન દોષી હોય તો પાકિસ્તાન માટે ખૂબ શરમજનક
છે.
ઈમરાન
ખાનને કાંઈ પહેલી વાર સજા નથી સંભળાવવામાં આવી. પહેલાં પણ તેમને એક કેસમાં 7 વર્ષથી
14 વર્ષની સજા થઈ છે. તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર, સત્તાવાર રહસ્ય ખુલ્લું કરવું અને
વિવાહ કાયદાઓના ઉલ્લંઘનનો પણ કેસ છે. એક સમય ઈમરાન પોતાના દેશના સફળતમ આદર્શ યુવાન
હતા. તેમના નેતૃત્વમાં જ પાકિસ્તાને એક દિવસીય વર્લ્ડ કપ ક્રિકેટની ફાઈનલમાં એકમાત્ર
જીત હાંસલ કરી હતી. એક સમયે પાકિસ્તાન ઈમરાન ખાનનું દિવાનું હતું. ક્યાં ગઈ એ દિવાનગી?
સવાલ હજી યથાવત્ છે, ઈમરાન ખાને ભ્રષ્ટાચાર કરીને બધું જ ગુમાવી દીધું છે કે પછી તેઓ
ષડ્યંત્રોના શિકાર બન્યા છે? પાકિસ્તાનમાં સામંતી સંસ્કૃતિમાં જે ચરિત્રગત નબળાઈઓ અને
દુશ્મની નિભાવવાની જે કટ્ટર પરિપાટી ઉછરી રહી છે તેણે પાકિસ્તાનની રાજનીતિ જ નહીં,
પાકિસ્તાનની સમગ્ર વ્યવસ્થા પર થતા સવાલોનો પણ વિસ્તાર કર્યો છે.