• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

દિલ્હીમાં મફત યોજનાઓની સ્પર્ધા અને વર્ષા

દિલ્હીમાં સત્તા મેળવવા માટે ‘આપ’, ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ‘મફત’ યોજનાઓની સ્પર્ધા બેફામ ચાલી રહી છે. આ ‘મફતવર્ષા’નો વાયરો અન્ય રાજ્યોમાં પણ પ્રસરશે. ‘રેવડી’ સંસ્કૃતિ સામે અર્થશાત્રીઓ લાલબત્તી બતાવી રહ્યા છે, પણ અર્થતંત્ર રાજકીય વેદી ઉપર છે! દિલ્હીવાસીઓ માટે મફતની યોજનાના પટારા ખૂલ્યા છે. ભાજપની જાહેરાતો ‘આપ’ના અરવિંદ કેજરીવાલનું ‘એન્કાઉન્ટર’ થતું જોવામાં આવી રહ્યું છે. ‘આપે’ ચૂંટણી જીતવા પર મહિલાઓને 2100 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ભાજપે આના જવાબમાં દર મહિને 2500 રૂપિયા આપવાનું એલાન કર્યું છે. આપ અને ભાજપ ઉપરાંત કૉંગ્રેસ પણ અનેક ઘોષણાઓ કરી ચૂકી છે. દરેક પક્ષે એ જાણે મફતની યોજનાઓની દુકાન ખોલી દીધી હોય એવું લાગે છે. પણ ચૂંટણી જીતે તો વચન કેવી રીતે પાળશે, એ પ્રશ્ન રાજકીય પંડિતોને સતાવી રહ્યો છે - નેતાઓને ચિંતા નથી!

ભાજપે મફતની યોજનાઓની ઘોષણાઓ કર્યા પછી ‘આપ’ કહે છે કે, આ તો અમારા ચૂંટણી ઢંઢેરાની નકલ છે. ભાજપનો સંકલ્પપત્ર નથી, પરંતુ કેજરીવાલપત્ર છે. સત્તા મળે તો ભાજપ દિલ્હીમાં કેજરીવાલની બધી યોજનાઓ ચાલુ રાખશે જ્યારે કૉંગ્રેસના પ્રવક્તાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ અને ‘આપ’એ દિલ્હીનાં હિતોને ફૂટબૉલ બનાવી દીધાં છે. ભાજપે સંકલ્પપત્ર નહીં, પરંતુ જુમલાપત્રક બહાર પાડયાનું કૉંગ્રેસ કહે છે. આ ઘોષણાપત્રથી સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપે કૉંગ્રેસની ગૅરન્ટીઓની જ નકલ કરી છે. પક્ષોમાં મફતની યોજનાઓની ઘોષણા કરવાની હોડ ચાલી રહી છે.

દિલ્હીનું કુલ બજેટ 75 હજાર કરોડનું છે. બધા પક્ષો વચન પાળે તો આ માટે 35થી 40 હજાર કરોડ રૂપિયાની આવશ્યક્તા રહેશે. આનાથી સ્પષ્ટ છે કે કોઈ પણ રાજ્યના ભવિષ્ય માટે આવી ઘોષણાઓ ખતરનાક સાબિત થશે. દિલ્હીમાં લગભગ 60 લાખથી અધિક મહિલાઓ છે. સત્તામાં આવનારો કોઈ પણ પક્ષ જો મહિલાને મહિને 2000 રૂપિયા પણ આપે છે તો આ માટે 10 હજાર કરોડ રૂપિયા લાગશે. કોઈ પણ સરકાર જો અધિકાંશ રકમ પોતાના ચૂંટણી ઢંઢેરા અનુસાર ફાળવી દેશે તો તે વિકાસકાર્ય કેવી રીતે કરશે? હૉસ્પિટલ, રસ્તા, સ્કૂલ, સ્ટેડિયમ કેવી રીતે બનશે? એટલું જ નહીં, જે પહેલાંથી બનેલું છે, તેની મરમ્મત અને પેન્શન-વેતન વગેરે આપવાનું પડકારરૂપ બનશે.

કોઈ પાસે એવો કોઈ આંકડો નથી કે તે કેટલા લોકોને આ રકમ આપશે, જે જરૂરતમંદ છે તેઓને આપશે કે બધાને આપશે? ઝૂંપડામાં રહેતી મહિલા અને એક નોકરિયાત મહિલામાં અંતર છે. જોકે, પક્ષોનાં વચનો જનતાને તુરંત આકર્ષિત કરે છે અને લોકો આ વચનોમાં આવીને મતદાન પણ કરે છે, પરંતુ આ ઉપરાંત સ્કૂલ, કૉલેજ, ઉદ્યોગ ખોલવા અને રોજગારીનું સૃજન કરવું લોકકલ્યાણકારી રાજ્યનું દાયિત્વ છે. એક રીતે જોઈએ તો જનતાને સીધા પૈસા ટ્રાન્સફર કરી સરકાર પોતાની જવાબદારીથી છટકી રહી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025