ડલ્લેવાલ 14મી સુધી નહીં રહે !
પટિયાલા, તા. 20 : લઘુતમ ટેકાના
ભાવની કાનૂની ગેરંટી સહિત માગો સાથે આંદોલન કરી રહેલા કિસાનોના નેતા સરવણસિંહ પંધેરે
સોમવારે સરકારને 26મી જાન્યુઆરી સુધી બેઠક યોજવાનો સમય આપ્યો હતો.
કિસાન નેતા જગજિતસિંહ ડલ્લેવાલ
આમરણ અનશન છોડવા તૈયાર નથી, તેમને જીવનું જોખમ છે. એ જોતાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવ
મુજબ, 14મી ફેબ્રુઆરીના બેઠક થાય તો ઘણું મોડું થઇ જઇ શકે, તેવી ભીતિ છે.
ખાસ જાણવા જેવા ચિંતાજનક સમાચાર
એ મળ્યા છે કે, કિસાનોની સારવાર કરી રહેલા ડો. સવાઇ માનસિંહે ડલ્લેવાલના લાંબા સમય
સુધી જીવંત રહેવા પર સંદેહ વ્યક્ત કર્યો હતો.
ડો. માનસિંહે કહ્યું હતું કે,
ડલ્લેવાલની તબિયત વિશે ખોટી જાણકારી ફેલાવાઇ રહી છે. કેન્દ્ર સરકાર ગંભીર જ છે, તો
14મી ફેબ્રુઆરી સુધી રાહ શા માટે જોઇ રહી છે, તેવો સવાલ તેમણે કર્યો હતો.
ડલ્લેવાલની તબિયતની કાળજી લેવા
માટે સતત હાજર રહે તેવા સરકારી તબીબની જરૂર છે, તેવું પણ ડો. માનસિંહે સૂચવ્યું હતું.
પત્રકારોએ વધુ પૂછતાં તબીબે સ્પષ્ટ
કહી દીધું હતું કે, ડલ્લેવાલ 14મી ફેબ્રુઆરી સુધી જીવીત નહીં રહી શકે.
દરમ્યાન, શંભુ સીમાએથી કાલે મંગળવારે
થનારી દિલ્હીકૂચ ટાળી દેવાઇ છે. જો કે, કિસાનોએ 26 માર્ચના ટ્રેક્ટર રેલીનો ફેંસલો
જરૂર કર્યો હતો.