કોલકતા,
તા.20 : ઇંગ્લેન્ડ વિરુદ્ધ બુધવારથી શરૂ થતી પ મેચની ટી-20 શ્રેણી અગાઉ ટીમ ઇન્ડિયાનો
ટ્રેનિંગ કેમ્પ આજથી ઇડન ગાર્ડન પર શરૂ થયો છે જ્યારે આજે બપોર પછી ઇંગ્લેન્ડ ટીમનો
અભ્યાસ સત્ર હતે. જે કોઈ કારણવશ રદ થયો હતો. ભારતની નેટ પ્રેક્ટિસમાં અર્શદીપ સિવાયના
તમામ ખેલાડીઓ પહોંચ્યા હતા. તમામની નજર અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી પર હતી. તેણે
નેટમાં જોરદાર બોલિંગ કરી હતી અને મેદાન પર એક કલાક સુધી પરસેવો પાડયો હતો. શમી વન
ડે વર્લ્ડ કપના ફાઇનલ પછી પહેલો ઇન્ટરનેશનલ મેચ રમશે. તે ઇંગ્લેન્ડ સામેની અને ચેમ્પિયન
ટ્રોફીની ભારતીય ટીમમાં સામેલ છે.
શમી
જ્યારે નેટમાં બોલિંગ કરવા આવ્યો ત્યારે બોલિંગ કોચ મોર્ને મોર્કલે તેની સાથે લાંબી
ચર્ચા કરી હતી. શમીએ ઘૂંટણ પર ક્રેક બેન્ડેજ લગાવી હતી. શમીએ બોલિંગ ઉપરાંત ફિલ્ડિંગ
પ્રેક્ટિસ પણ કરી હતી. ટીમના અન્ય ખેલાડીઓ સંજુ સેમસન, અભિષેક શર્મા, હર્ષિત રાણા,
નવા ઉપકપ્તાન અક્ષર પટેલ, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, તિલક વર્મા, વરુણ ચક્રવર્તી,
રવિ બિશ્નોઈએ કપ્તાન સૂર્યકુમારની રાહબરીમાં અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો.
ભારત
અને ઇંગ્લેન્ડ વચ્ચેનો પહેલો ટી-20 મેચ કોલકતામાં બુધવારે રમાશે જ્યારે શ્રેણીનો ત્રીજો
મેચ 28મીએ રાજકોટમાં રમાવાનો છે. આ પછી 6, 9 અને 12 ફેબ્રુઆરીએ ત્રણ વન ડે મેચ રમાશે.