નવી
દિલ્હી, તા.20 : ઓલિમ્પિકમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતનાર અને વર્લ્ડ ચેમ્પિયન ભાલા
ફેંક ખેલાડી નિરજ ચોપરાએ બે દિવસ પહેલા હિમાચલ પ્રદેશમાં ગુપચુપ રીતે લગ્ન કર્યા છે.
જેની જાણ ખુદ નિરજે રવિવારે રાત્રે સોશિયલ મીડિયા પર લગ્નના ત્રણ ફોટા પોસ્ટ કરી આપી
હતી. તેની પત્નીનું નામ હિમાની મોર છે. જે હરિયાણાનાં સોનિપતની છે. હિમાની મોર ટેનિસ
ખેલાડી રહી ચૂકી છે. તેણી 2017માં વિશ્વ જુનિયર ટેનિસ ટૂર્નામેન્ટમાં રનર્સ અપ રહી
હતી. હિમાની રાષ્ટ્રીય ટેનિસ ખેલાડી તરીકે પણ ભારત તરફથી કેટલાક મેચોમાં રમી ચૂકી છે.
હાલ તે યુએસએમાં ન્યૂ હેમ્પશાયરમાં ફ્રેંકલિન પિયર્સ વિશ્વ વિદ્યાલયમાં સ્પોર્ટસ મેનેજમેન્ટની
ડિગ્રીનો અભ્યાસ કરી રહી છે. દિલ્હીમાં તે સ્નાતક થઈ હતી. યુએસએમાં તે મહિલા ટેનિસની
સહાયક કોચ તરીકે પણ કામ કરી ચૂકી છે.
નિરજ
ચોપરાએ તેના લગ્ન ખાનગી રાખ્યા હતા. તેના કાકા ભીમે જણાવ્યું કે લગ્ન બે દિવસ પહેલાં
ભારતમાં થયા હતા. હાલ બન્ને હનીમૂન માટે વિદેશ નીકળી ગયા છે.