નવી દિલ્હી, તા. 20 : પૂર્વ મુખ્ય
ન્યાયાધીશ રંજન ગોગોઈએ પ્રસ્તાવિત સમાન નાગરિક સંહિતાને રાષ્ટ્રીય એકિકરણ અને સામાજીક
ન્યાયની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું અને તેની અલમવારી પહેલા સામાન્ય
સહમતિ બનાવવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. આ દરમિયાન એમ પણ કહ્યું હતું કે લોકોનો
એક વર્ગ ક્યારેય યુસીસીને સમજશે નહીં.
રાજ્યસભા સભ્ય ગોગોઈએ સુરત લિટફેસ્ટ 2025મા સંબોધન
કરતા એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચારનું પણ સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે વારંવાર
ચૂંટણી થતા શાસન પ્રભાવિત થાય છે અને આર્થિક બોજ વધે છે. પૂર્વ સીજેઆઈના કહેવા પ્રમાણે
પોતે યુસીસીને ખુબ જ પ્રગતિશિલ કાયદા તરીકે જોવે છે જે વિભિન્ન પારંપરિક પ્રથાઓની જગ્યા
લેશે. યુસીસી લાગુ થાય તો તમામ નાગરિકો માટે એક જ રીતનો વ્યક્તિગત કાયદો રહેશે. જો
કે આ પહેલા યુસીસી મુદ્દે સર્વસહમતિ જરૂરી છે અને ખોટી સૂચનાને ફેલાતી રોકવાની પણ જરૂરિયાત
છે. આ દરમિયાન લોકોને એક વર્ગ એવો પણ છે જે ક્યારેય યુસીસીને સમજશે નહીં અને સમજવાનો
દેખાડો પણ કરશે નહીં.