સુપ્રીમ
કોર્ટે પશ્ચિમ બંગાળના ઓબીસી અનામત પ્રકરણ અંગે સુનાવણી વેળા કહ્યું છે કે ધર્મના આધારે
અનામત ન આપી શકાય. અનામતનો આધાર ધર્મ ન હોઈ શકે. બંગાળમાં 2010માં 77 સમુદાયને ઓબીસીમાં
સમાવાયા હતા, જેમાં મોટા ભાગના મુસ્લિમ સમાજના છે. કલકત્તા હાઈ કોર્ટે આ નિર્ણયને રદ
કરી દીધો હતો, પણ બંગાળ સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો.
ડૉ.
મનમોહન સિંઘના નેતૃત્વવાળી યુપીએ સરકાર હતી ત્યારે ઓબીસી માટેના અનામતના કુલ ક્વૉટામાંનો
સાડા ત્રણ ક્વૉટા ધાર્મિક લઘુમતીઓ માટે અનામત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારો કે ક્યારેક
કેન્દ્ર સરકાર પણ પોતાના રાજકીય ફાયદા માટે દેશના વંચિતોના ભવિષ્યને કેવી રીતે હોડમાં
મૂકે છે તેનો આ ખટલો ઉત્તમ ઉદાહરણ છે.
ભારતમાં
કોઈને પણ ધાર્મિક આધાર પર અનામત નહીં મળવું જોઈએ એવું સંવિધાનમાં સ્પષ્ટ જણાવાયું છે.
સુપ્રીમ કોર્ટમાં ગયેલો ધાર્મિક અનામતનો આ એક જ કેસ નથી, બીજા પણ છે અને તેના ચુકાદા
અપેક્ષિત છે. હાલમાં જ પુદ્દુચેરીની એક ખ્રિસ્તી મહિલાને નોકરીમાં હિન્દુ તરીકે મળનારું
અનામત સુપ્રીમ કોર્ટે રદ કર્યું છે. આ મહિલા આચાર, વિચાર, ઉપાસના આ બધી જ રીતે ખ્રિસ્તી
છે અને પ્રાર્થના માટે ચર્ચ જાય છે પણ તેણે નોકરી મેળવવા માટે પોતે હિન્દુ હોવાનો દાવો
ર્ક્યો. તેના પર સુપ્રીમ કોર્ટે ઊંડાણમાં જઈ ધર્મ સંસ્થાની ચર્ચા ચુકાદામાં કરી છે.
ફક્ત
લૌકિક લાભો માટે પોતાની ધાર્મિક શ્રદ્ધાથી સતામણી કરવી, એ ધાર્મિક ભાવનાનો જ પરાભવ
હોવાનું કોર્ટે જણાવ્યું છે. પરંતુ શાસકો કોઈપણ ધાર્મિક કે જાતિય સમૂહોનો વિચાર ફક્ત
વોટ બૅન્ક તરીકે કરે છે. પશ્ચિમ બંગાળનું પ્રકરણ આમાંથી જ ઉદ્ભવ્યું છે. બંગાળમાં ઉતાવળે
હિન્દુ તેમ જ મુસ્લિમ સમુદાયની અનેક જાતિનો સમાવેશ ઓબીસી કેટેગેરીમાં કરવામાં આવ્યો.
મમતા બેનરજીએ આ બધું રાજકારણ નજર સમક્ષ રાખી ર્ક્યું છે. સ્વાભાવિક જ તેને કોર્ટમાં
પડકારવામાં આવ્યું છે અને તે અનામત કોર્ટમાં નથી ટકી શકયું
રાજકારણ
માટે ફક્ત ધાર્મિક આધાર પર અનામત અપાય તો છેવટે તે સમાજનો જ મોટો શાપ છે, એ કલકત્તા
હાઈ કોર્ટના ચુકાદાએ તેમ જ સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ પરથી ફરી એકવેળા સ્પષ્ટ થયું છે.
આ પ્રકારના બધા કેસ એકત્રિત કરીને આ વિષય બંધારણીય બેન્ચને સોંપવાનો વિચાર સુપ્રીમ
કોર્ટે કરવો જોઈએ એ જ એનો દીર્ઘકાલીન ઉપાય છે.