બાંગલાદેશમાં પાંચમી ઓગસ્ટના શેખ હસીનાની સરકારને સત્તા છોડવી પડી છે, ત્યારથી ત્યાં ભારત વિરોધી વાતાવરણ દિવસો દિવસ ઘેરું બની રહ્યંy છે. મોહમ્મદ યુનુસના વડપણ હેઠળની નવી વચગાળાની સરકાર અસ્તિત્વમાં આવી ત્યારથી ત્યાં કટ્ટરતાવાદીઓ બેફામ બન્યા છે, તેની સાથોસાથ ભારત વિરોધી તત્ત્વો પણ મેદાને પડયા છે. આ બધામાં પાકિસ્તાનને તેનો સીધો ફાયદો થઇ રહ્યો હોય એવી સ્થિતિ આકાર લઇ ચૂકી છે. ભારતીયો બાંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના મામલે ચિંતિત છે અને તે માટે દેશભરમાં દેખાવો થઇ રહ્યા છે, પણ ત્યાં પાકિસ્તાનની વધી રહેલી વગ અને તાકાત ભારત માટે એટલી જ ચિંતાજનક જણાઇ રહી છે.
પાકિસ્તાનના
અત્યાચારી શાસનમાંથી ભારતની મદદથી આઝાદી મેળવીને અસ્તિત્વમાં આવેલા બાંગલાદેશના નાગરિકો
આ ભૂતકાળને ઝડપભેર વિસરી ગયા છે. ધાર્મિક કટ્ટરતાના રંગ સામે દેશના અસ્તિત્વનો રંગ
કે દેશભક્તિનો રંગ ઝંખવાઇ રહ્યો છે, જે રીતે વચગાળાની સરકારે સત્તા સંભાળી તે સાથે
લઘુમતી હિન્દુઓ પર હુમલા અને અત્યાચારના બનાવોમાં ઉછાળો આવ્યો છે તે રીતે પાકિસ્તાનને
વધુ પડતી છૂટછાટ આપવાનાં પગલાં લેવાઇ રહ્યાં છે.
પાકિસ્તાની મૂળના લોકોને વિઝા આપવાના નિયમોને સાવ હળવા બનાવાયા છે, તો બીજી
તરફ તેમને બાંગલાદેશમાં પ્રવાસ કરવા માટે સલામતી ક્લીયરન્સ લેવામાંથી મુક્તિ અપાઇ છે.
2001થી
2006 દરમ્યાન બીએનપી અને જમાતે ઇસ્લામીના શાસનકાળ દરમ્યાન બાંગલાદેશમાં સક્રિય આતંકી
તત્ત્વોને મળેલા છૂટાદોરેને લીધે ભારતને ભારે નુકસાન થયું હતું. હવે પાકિસ્તાનીઓને
છૂટછાટ મળવાથી નાપાક એજન્સીઓ હવે બાંગલાદેશ વાટે પોતાનો ભારત વિરોધી એજન્ડા સરળતાથી
ચલાવી શકશે. પાકિસ્તાન સાથેની ભારતની સરહદો પર જાપ્તો વધ્યો છે, પણ આંતકી તત્ત્વો અને
તેમના આકાઓ નેપાળનો માર્ગ પસંદ કરતા આવ્યા છે. હવે બાંગલાદેશમાં સરળતા ઊભી થતાં તેઓ
હવે ત્યાંથી ભારત વિરોધી એજન્ડા ચલાવવા પર ધ્યાન આપશે એમ નિષ્ણાતો માને છે. હવે ભારતે
વધુ એક સરહદે સલામતી વ્યવસ્થાને વધુ મજબૂત રાખવા સતત સાબદા રહેવાની ફરજ પડશે. ખેરખર
તો હવે જ્યારે ભારતે વિદેશ સચિવને મંત્રણા માટે ઢાકા મોકલાવ્યા છે, ત્યારે બાંગલાદેશમાં
જૂના સંબંધોને ફરી મજબૂત કરવા માટે તત્કાળ પગલાં લેવા પર ધ્યાન આપવાની જરૂરત છે. ખાસ
તો શેખ હસીનાના ટેકેદારોને ફરી સક્રિય કરીને હાલના શાસનને અરિસો બતાવવા ભારતીય એજન્સીઓએ
પડદા પાછળના સમીકરણોને સક્રિય કરાવવાની જરૂરત છે. હિન્દુઓના રક્ષણની સાથોસાથ પાકિસ્તાન
તરફ માહોલને ખાળવા માટે ભારતે કોઇ ને કોઇ રસ્તો લેવાની તાકીદની જરૂરત છે. બાંગલાદેશને
પાકિસ્તાનનો સાચો ચહેરો બતાવવા અન્ય કોઇ વગદાર દેશની મદદ લેવા પણ ભારતે વિચારવું રહ્યંy.