પુષ્પા-2
નામની ફિલ્મ આખા દેશના થિયેટર્સમાં છવાઈ ગઈ છે. ફક્ત દક્ષિણ ભારતીય ફિલ્મ ક્ષેત્રના
નહીં, ભારતીય સિનેમાના વિક્રમ તોડીને નવો વિક્રમ આ ફિલ્મ સ્થાપી ચૂકી છે, બીજી તરફ
તેના નાયકની પોલીસે ધરપકડ કરી અને કોર્ટમાં હાજર કર્યો. તેલંગાણા હાઈકોર્ટે જો કે તેને
જામીનરુપી રાહત આપી પરંતુ નામાપલ્લી સેશન્સ કોર્ટે 14 દિવસના રિમાન્ડનો ચુકાદો આપ્યો
છે. સંધ્યા ટોકિઝમાં ઘટેલી દુર્ઘટના તેના માટે જવાબદાર છે. ફિલ્મી નટની ધરપકડ, કાનૂની
કાર્યવાહી, પોલીસનું વલણ તે બધી બાબતો પણ અહીં અગત્યની છે પરંતુ સૌથી વિચારણીય વાત
એ છે કે કોઈ પણ શોખ માટે જ્યારે એક મોટો સમૂહ અનિયંત્રિત થઈને ચાહના બતાવે ત્યારે પરિણામ
ક્યારેક ઘાતક પણ આવી શકે.
છેલ્લા
કેટલાક સમયથી દક્ષિણ ભારતની આવી એક્શન ફિલ્મો- કાલ્પનિક કથાનક ધરાવતી ફિલ્મો લોકપ્રિયતાની
ટોચે પહોંચે છે. હજારો દર્શકો અને કરોડો રૂપિયા આ ફિલ્મોને મળે છે. પુષ્પા-2 તો એક
અઠવાડિયામાં જ 1000 કરોડથી વધારે રૂપિયા મેળવી ચૂકી છે. ફિલ્મની ગુણવત્તા, કથા, દિગ્દર્શન
અને આધુનિક પરિભાષા વિશે વિવિધ માધ્યમો પર ચર્ચા થતી રહે છે. ફિલ્મવિદો પોતાના અવલોકનો
લખે છે અને સામાન્ય દર્શક પણ હવે સોશિયલ મીડિયા પર રીવ્યૂ લખતો થયો છે.
ફિલ્મી
કલાકારો દાયકાઓથી દર્શકો માટે આકર્ષણ રહ્યા છે. પુષ્પા માટે લોકોનું આકર્ષણ હતું તે
ફિલ્મ રિલીઝ થયા પહેલાં સૌને ખબર હતી. 4 ડિસેમ્બરે ઘટના એવી બની કે થિયેટરમાં ફિલ્મનું
ક્રીનિંગ ચાલુ હતું ત્યાં જ અભિનેતા અલ્લુ અર્જુન ત્યાં પહોંચ્યા. તેમને જોવા, નજીક
જવા ધક્કામૂક્કી થઈ અને એક મહિલાનું મૃત્યુ થયું. પોલીસે અને કોર્ટે આ દુર્ઘટના પાછળ
ટોકિઝના મેનેજમેન્ટની સાથે અલ્લુ અર્જુનને પણ જવાબદાર ઠેરવીને તેની સામે ફરિયાદ નોંધી.
ઉલ્લેખનીય છે કે તે પૂર્વે મૃતક મહિલા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવીને અભિનેતા તેમના પરિવારને
રૂ. 25 લાખ આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા.
સંધ્યા થિયેટર્સના સંચાલકોએ કહેલું કે તેમણે પોલીસને અગાઉથી અલ્લુના આગમનની
જાણ કરી હતી.
પ્રથમ
તો એ કે ફિલ્મ માટે, તેના અભિનેતા-અભિનેત્રી માટેનું આકર્ષણ અકસ્માત સર્જાઈ જાય તે
સ્તરે ન હોવું જોઈએ. ધાર્મિક સ્થળે કે કાર્યક્રમમાં ધક્કામૂકકી થવાના બનાવ બને છે,
ટોકિઝમાં પણ આ. એનો અર્થ એ થયો કે આપણી ઘેલછા બધે સરખી છે. બીજી બાબત એ કે ફિલ્મસ્ટાર
કે કોઈ ક્રિકેટર કે જનપ્રિય નેતાને જોવા ભીડ એકઠી થાય અને તેમાં અકસ્માત સર્જાય તો
તે વ્યક્તિની સીધી જવાબદારી બને ? આયોજક સંસ્થા, સંગઠન, સ્થળના વ્યવસ્થાપકો સામે ફરિયાદ
થાય તે બરાબર પરંતુ જેને જોવા લોકો ઉમટયા હોય તે વ્યક્તિ આખરે શું કરે? શું તેણે ક્યાંય
જાહેર સ્થળે આગોતરી જાણ વગર જવાનું નહીં ? અલ્લુ અર્જુનને જો કે હાઈકોર્ટે તો જામીન
આપ્યા છે. ફિલ્મસર્જક કે અભિનેતાનું ઉત્તરદાયિત્વ ઘણું મોટું છે જ પરંતુ કોઈ દુર્ઘટના
માટે તેમને સીધા જવાબદાર ઠેરવી દેવા તે યોગ્ય કહેવાય કે નહીં? તેવો પ્રશ્ન ફિલ્મી નહીં
વાસ્તવિક છે.