• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

શતરંજના વિશ્વમાં ડોમારાજુનું રાજ

મનના સંતુલન અને સતર્કતા, બુદ્ધિની તીક્ષ્ણતાની રમત ગણાતી ચેસ- શતરંજમાં ભારતના ડી.ગુકેશ વિશ્વવિજેતા બન્યા છે અને તે પણ સૌથી નાની વયે. ફક્ત 18 વર્ષની ઉંમરે ચીનના ડિંગલી હેનને પ્યાદાંની રમતમાં પછાડીને 39 વર્ષ જુનો રશિયાના ગેરી કાસ્પારોવનો વિક્રમ તેણે તોડયો છે. કાસ્પારોવ 22 વર્ષની વયે આ સાફલ્ય પામ્યા હતા.ગુરુવારનો દિવસ ભારતના ગુકેશને નામ હતો. વિશ્વનાથન આનંદ જે ખિતાબ સતત જીતતા આવ્યા તે ભારતના જ ગુકેશે જીત્યો, આનંદ માટે અને ભારત માટે ગર્વની વાત એ છે કે ગુકેશને ચેસનું પ્રશિક્ષણ પણ વિશ્વનાથ આનંદે જ આપ્યું હતું.

ચેસમાં વિશ્વ વિજેતા બનનાર ડી.ગુકેશ બીજા ભારતીય, વિશ્વના સૌથી નાની વયના ખેલાડી છે. 2006ની 29મી મેએ જન્મેલા ગુકેશની આ સફળતા જગતે આજે જોઈ પરંતુ તેની પાછળ વર્ષોનો તેનો પરિશ્રમ અને સમર્પણ રહ્યાં છે. 7 વર્ષનો હતો ત્યારથી તેણે ચેસ શીખવાનું શરૂ કર્યું, 2017માં અગિયાર વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય માસ્ટર ટૂર્નામેન્ટમાં જીત્યો. ક્રિકેટ જ નહીં, કોઈ પણ રમત જીવનની જેમ અનિશ્ચિતતાથી ભરેલી છે તેનું પ્રમાણ ગુરુવારનો આ મુકાબલો છે. 14મી બાજીમાં પણ વિશ્લેષકોને એવું લાગ્યું હતું કે મેચ ટાઈ થશે પરંતુ ગુકેશની તીવ્ર બુદ્ધિ અને એકાગ્રતા તેને વિજય ભણી દોરી ગઈ.

12 વર્ષની વયે ચેસમાં ચેમ્પિયન બનવાનું સ્વપ્ન જોનાર ગુકેશે કહ્યું, હું વર્ષોથી આ પળની પ્રતીક્ષા કરી રહ્યો હતો. આજે હું મારું સ્વપ્ન જીવી રહ્યો છું. યુવાન ગુકેશે રમત વિશ્વનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. ચેસ આમ તો મગજ કસતા લોકોની રમત છે, ગુકેશ જેવા યુવા ખેલાડી તેને નવી પેઢી સુધી લઈ જઈ શકે છે. વિશ્વનાથ આનંદનું નામ વર્ષોથી આપણા કાન અને આંખ જાણે છે, હવે તે શ્રેણીમાં ગુકેશ પણ ઉમેરાયા છે. જો કે રશિયા તરફથી આ મેચ-અંતિમ મુકાબલા માટે કેટલીક ટીકા થઈ છે. તેવું તો ચાલ્યા જ કરવાનું. કોઈ વિજેતા થાય ત્યારે કોઈને ન ગમે તેવું બને. ભારતના ઈન્ડોર સ્પોર્ટ્સ માટે આ રળિયામણી ઘડી છે. ગુકેશને વિજય બદલ રૂ. 11 કરોડની રાશિ મળશે તે ઉપરાંત તામિલનાડુ સરકારે પણ રૂ. 5 કરોડનું ઈનામ આપવાનો નિર્ણય કર્યો છે જે રમત માટે પ્રોત્સાહક છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025