• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

પ્રતિભા પલાયન સાથે પૈસાને પણ પગ !

મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા હોવાનાં કારણો તપાસવા માટે સરકાર સક્રિય બની રહી છે તે આવકાર્ય છે. આવું એટલા માટે જરૂરી છે કારણ કે શિક્ષણ મંત્રાલય એવા નિષ્કર્ષ પર આવ્યું છે કે, વિદેશમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓની વધતી સંખ્યાને કારણે, પ્રતિભાઓના પલાયનની સાથે દેશના નાણા પણ વિદેશમાં પગ કરી રહ્યાં છે. આ નાણું ખૂબ વધારે હોવાથી, વિદેશમાં અભ્યાસ કરવાના કારણો શોધવા તેમજ તેનું નિવારણ કરવું જરૂરી છે.

ભારતીય વિદ્યાર્થીઓ લાંબા સમયથી વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. આવા વિદ્યાર્થીઓની વિદેશમાં અભ્યાસ કરવાની અને પછી ત્યાં નોકરી કરવાનાં ઘટનાચક્રને પ્રતિભા પલાયન કહેવામાં આવતું હતું. એવું માનવામાં આવતું હતું કે આ પ્રતિભાઓના પલાયનથી સમગ્ર ભારતને ફાયદો થયો કારણ કે આવા વિદ્યાર્થીઓ વિદેશમાં નોકરી કરીને જે મોટી રકમ ઘરે મોકલે છે તેનાથી વિદેશી હુંડિયામણ ભંડારમાં વધારો થાય છે. હવે જાણવા મળી રહ્યું છે કે વિદેશમાં અભ્યાસ કરવા માટે ખર્ચવામાં આવતા પૈસા અને ત્યાં કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓ દ્વારા મોકલવામાં આવતા પૈસા વચ્ચેનો તફાવત ઓછો થઈ રહ્યો છે. આનું કારણ એ છે કે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. સામાન્ય રીતે ભારતીય વિદ્યાર્થીઓ બે કારણોસર વિદેશમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. પહેલું કારણ એ છે કે તેઓ વિદેશમાં સ્થાયી થવા માગે છે. બીજું કારણ તેમને દેશની સારી શૈક્ષણિક સંસ્થાઓમાં ઇચ્છિત વિષયોનો અભ્યાસ કરવાની તક મળતી નથી. કમસેકમ આ બીજા કારણનું નિવારણ તો ભારતમાં પ્રાથમિકતાનાં આધારે થવું આવશ્યક છે. એ પણ અવગણી શકાય નહીં કે આપણા દેશમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા માટે પૂરતી સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ નથી. બેઠકોની સંખ્યા પણ ઓછી છે. એ વાત સાચી છે કે તાજેતરના વર્ષોમાં ખાનગી ક્ષેત્રમાં ઉચ્ચ શિક્ષણના ઘણા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, પરંતુ એવું જોવા મળી રહ્યું છે કે તેમાં શિક્ષણનો ખર્ચ ઊંચો છે અને તેની સામે શિક્ષણની ગુણવત્તા સંતોષકારક નથી. ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓને લાગે છે કે વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચ આપણી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવાના ખર્ચ કરતા ઓછો છે. સરકારે એ જોવું જોઈએ કે ગુણવત્તાયુક્ત શિક્ષણના અભાવે ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની ફરજ પડી રહી છે તે અટકે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025