• મંગળવાર, 21 જાન્યુઆરી, 2025

પ્રદૂષણ માટે પોરબંદરનો પોકાર

પોરબંદરના સમુદ્ર કિનારાને પ્રદૂષણથી બચાવવા માટેની પ્રજાકીય ઝુંબેશ વધારે તીવ્ર બની છે. ધાર્મિક કે રાજકીય કે જ્ઞાતિના કાર્યક્રમોમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટે તેવી તસવીરો દરરોજ હોય છે, રવિવારે પોરબંદરમાં મોટી રેલી પર્યાવરણ બચાવવાની ઉગ્ર માગણી સાથે નીકળી તે પ્રજાજાગૃતિનું પ્રતિબિંબ છે. જો કે પોરબંદરના લોકોની, પર્યાવરણપ્રેમી સંસ્થાઓની આ રજૂઆતો, માગણી ઘણી જૂની છે. સરકાર તેમને વચન આપે છે પરંતુ અમલ અલગ દિશામાં થઈ રહ્યો છે. જસદણ પાસેના મદાવા ડુંગરમાંથી નીકળતી ભાદર નદી જ્યારે જેતપુર પાસેથી વહે ત્યારે તેનું પાણી રંગીન અને ઝેરીલું બની જાય છે.  સાડી પ્રિન્ટીંગના કારખાનામાંથી દૂષિત પાણી, કચરો ભાદરમાં ઠલવાય છે. હવે આ દૂષિત પાણી સીધું જ પોરબંદરના સમુદ્રની મધ્યમાં છોડવાની યોજના છે જેનો સખ્ત વિરોધ થઈ રહ્યો છે.

જેતપુર આસપાસ પ્રિન્ટીંગ અને ડાઈંગના 1400 જેટલા ટેક્સટાઈલ યુનિટ્સ છે. જેતપુર માટે આ ગૌરવપ્રદ છે, આર્થિક-ઔદ્યૌગિક દૃષ્ટિએ પણ તેનું મહત્ત્વ છે પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ બાબતે વર્ષોથી આ ઉદ્યોગ ચર્ચામાં રહ્યો છે. થોડાં વર્ષો પહેલાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ભાદરના પાણીના નમૂના લીધા ત્યારે પ્રદૂષિત પાણીમાં 2915 મિલિગ્રામ ટીડીએસ, 1461 મિલિગ્રામ કેમિકલ ઓક્સિજન હોવાનું બહાર આવ્યું હતું. સાડી ઉત્પાદનના એકમ, ધોલાઈઘાટ માટે અવારનવાર અપાયેલી નોટિસોની કોઈ અસર નથી. અમલ નથી થતો તેની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ કદાચ અસર નથી. 2018માં જેતપુર પાસેના દુધેશ્વર ઔદ્યૌગિક વિસ્તારમાં પ્રિન્ટીંગ યુનિટ્સને નોટિસ અપાઈ હતી. તે વિસ્તારમાં એક સમયે દરરોજ દોઢ લાખ લિટર પ્રદૂષિત પાણી નદીમાં છોડાતું હતું. જેતપુર પાસે ભાટ ગામે પાણી શુદ્ધિકરણ માટે અદ્યતન પ્લાન્ટ બન્યો છે. 1997માં પ્રદૂષણ વિરુદ્ધ એક મોટી લડત થઈ અને 45 દિવસ ઉદ્યોગ બંધ રહ્યો હતો. ડાઈંગ એસોસિએશને પછી ગટર યોજના થકી પાણી બહાર લઈ જવાનું શરૂ કર્યું હતું.

આ પછી પણ સમસ્યા યથાવત્ છે. જ્યારે જ્યારે શુદ્ધિકરણની જે જે યોજના થઈ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. શુદ્ધ કરેલું પાણી કૃષિમાં ઉપયોગમાં લેવાયું તો જમીનની ગુણવત્તા બગડી ગઈ. ખેડૂતો અને ગામલોકોની સતત ફરિયાદ છે કે પ્રદૂષિત પાણીનો 10 ટકા હિસ્સો જ શુદ્ધ થાય છે, 90 ટકા ગંદું પાણી નદીમાં છોડી દેવાય છે. ભાદરના પ્રદૂષણ સામે અનેક લોકો લડત આપી ચૂક્યા છે. અત્યાર સુધી નદી જ પ્રદૂષિત હતી હવે કેન્દ્ર સરકાર જે રસ્તો કાઢી રહી છે તે એવો છે કે આ દૂષિત પાણી લાંબી પાઈપલાઈનના ડીપ-સી પ્રોજેક્ટ દ્વારા પોરબંદરના દરિયાની અંદર ઠલવી દેવું. પોરબંદરવાસીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.

દરિયાઈ જીવસૃષ્ટિ પર તેની અત્યંત વિપરિત અસર પડવાની સંભાવના છે. મત્સ્યોદ્યોગ તેનો ભોગ બનશે. વ્હેલ, ડોલફીન જેવી માછલીઓ પોરબંદરના દરિયાથી દૂર જશે. આમ પણ માછીમારોએ દરિયામાં ઘણું આગળ જવું પડે છે ત્યારે સારી ગુણવત્તાની માછલી મળે છે. વિવિધ દરિયાઈ જીવોના અસ્તિત્વ સામે જોખમ છે.

પર્યાવરણપ્રેમીઓ કહે છે, દરિયામાં જેતપુરથી આવતું પાણી શુદ્ધ જ હશે તેની શું ખાતરી અને દરિયાને અંદરથી કોઈ સીમા ક્યાં હોય છે ? પોરબંદરના દરિયાનું આ પ્રદૂષણ થોડા વર્ષોમાં નજીકના માધવપુર કે દ્વારકાના શિવરાજપુર સુધી પણ પહોંચી શકે. રવિવારે પોરબંદરમાં આ મુદ્દે મોટી રેલી નીકળી હતી. જેતપુર પાસે ભાદર નદી શુદ્ધ થવી જ જોઈએ પરંતુ તેને લીધે દરિયો દૂષિત થાય તે કેવું ? આ પ્રશ્ન પોરબંદર-ઘેડ વિસ્તારના લોકોનો છે જવાબ કોણ આપશે?

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

કાલથી ઇંગ્લેન્ડ વિરુદ્ધની T-20 શ્રેણીનો પ્રારંભ ઇડન ગાર્ડનમાં શમીની જોરદાર બોલિંગ પ્રેક્ટિસ January 21, Tue, 2025