અમેરિકામાં
કેલિફોર્નિયાની માયાનગરી લોસ એન્જલસમાં લાગેલો દવ શમવાનું નામ લેતો નથી. દિવસોદિવસ વિકરાળ બનતી જતી સ્થિતિમાં ભોગ બનનારાની
સંખ્યા સતત વધી રહી છે. વિશ્વભરમાં વિખ્યાત હોલીવૂડના ફિલ્મ ઉદ્યોગથી માંડીને અબજોપતિ
સેલેબ્રિટીઓના મહાલયો આગમાં ખાખ થઇ રહ્યા છે.
આધુનિક ફાયર સિસ્ટમ ધરાવતા અમેરિકામાં આ આગ હજી બેકાબૂ બની રહેતાં કુદરતના કોપનો
વધુ એક ચિંતાજનક ચહેરો સામે આવી રહ્યો છે. એક તરફ આગને કાબૂમાં લેવાના પ્રયાસ સતત વામણાં
સાબિત થઇ રહ્યા છે, ત્યારે આગના ચક્રવાતના તોળાતાં ખતરાથી જોખમ એનકગણું વધી પડે એવો
ફડકો જાગ્યો છે.
માત્ર
એક જંગલના દસ એકરમાં લાગેલી આગ જોતજોતામાં છ જંગલોમાં ફેલાઇ ચૂકી છે. હાલત એવી છે કે 25 જેટલા લોકોનો ભોગ લેવાઇ ચૂક્યો
છે અને બે લાખ લોકોને તેમનાં ઘર છોડવાની ફરજ પડી છે. હાલે લગભગ 17,200 એકર વિસ્તારને
પોતાના વિનાશમાં ફૂંકી ચૂકેલી આગે અંદાજે 135થી 150 અબજ ડોલરનું નુકસાન સર્જ્યું છે.
કેલિફોર્નિયાના ઇતિહાસની આ સૌથી મોટી દુર્ઘટનામાં હોલીવૂડના વિખ્યાત સ્ટુડિયો સપડાયા
છે, તો પેરિસ હિલ્ટન જેવી સેલિબ્રિટીનાં મકાનો હતાં ન હતાં થઇ ગયાં છે. માલિબુ નદીના
કાંઠે બનેલા અબજો ડોલરની કિંમતનાં મકાનો આગના હવાલે થઇ ગયાં છે. હાલે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ
કમલા હેરિસનો બંગલો પણ જોખમમાં છે અને તે ખાલી કરાવાયો છે. આ આગ પાછળના પ્રાથમિક કારણોમાં
લોસ એન્જલસ વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી ગરમી વધી રહી હોવાનું કારણ મનાય છે. ગરમી વધવાથી વાતવરણમાં ભેજ સાવ નહિવત થઇ ગયો. આને
લીધે ત્યાં આગના છમકલાં આમે પણ વધી ગયા હતા,
પણ આ વખતના છમકલાંએ હવે વિકરાળ સ્વરૂપ લીધું છે.
કેલિફોર્નિયાની
આ આગને કાબૂમાં લેવા માટે આકાશ-પાતાળ એક કરાઇ રહ્યા છે, પણ પર્યાવરણવાદીઓ અને હવામાનશાત્રીઓ
અત્યારથી ગ્લોબલ વોર્મિંગને આ ભયાનક સ્થિતિ માટે જવાબદાર ગણી રહ્યા છે. વિશ્વ આખું
ગ્લોબલ વોર્મિંગને લીધે હવામાનનાં જોખમી પલટાનો કહેર સહેતું આવ્યું છે. કેલોફર્નિયાની
આગે અમેરિકાને તેના ઘરઆંગણે ગ્લોબલ વોર્મિંગના વિનાશક અનુભવનો પરચો આપી દીધો છે. વૈશ્વિક સ્તરે ગ્લોબલ વોર્મિંગને નાથવાના પ્રયાસોમાં
પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરતા રહેતા અમેરિકાની હવે આંખ ઉઘડશે એવી સ્થિતિ સર્જાઇ
ચૂકી છે. આ લોસ એન્જલસના બનાવનું પુનરાવર્તન
ટાળવા અમેરિકાએ હવે પર્યાવરણનાં જતન અને ગ્રીન વાયુ ઉત્સર્જનને નાથવાના અનિવાર્ય અને
મોંઘા પ્રયાસમાં હવે સહયોગ આપવા આગળ આવવું
પડશે. ઉલ્લેખનીય છે કે 2018માં સંયુક્ત રાષ્ટ્ર
સંઘના જળવાયુ પરિવર્તનના નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે પર્યાવરણનાં જતન માટે નક્કર પગલાં
લેવાશે નહીં તો 2040 સુધીમાં ભયંકર પૂર, દુષ્કાળ અને જંગલોમાં વિનાશક દાવાનળ જેવી કુદરતી
આપદાઓ વધી જશે. લાગે છે કે, કેલિફોર્નિયાની આગ આ ચેતવણીનો પરચો બનીને વિશ્વને જાગૃત
કરી રહી છે.