અમેરિકામાં
સત્તાંતરણ માટે તમામ તૈયારીઓ પૂર્ણ, સઘન સુરક્ષા કિલ્લેબંધી : ભારતીય સમય અનુસાર રાતે
10.30 કલાકે માતાએ આપેલી બાઇબલ સાથે ગ્રહણ કરશે શપથ : દુનિયાભરનાં દિગ્ગજોનો મેળાવડો
વોશિંગ્ટન,
તા.19: અમેરિકામાં ફરીથી ટ્રમ્પ પ્રશાસન આવતીકાલે શાસનધુરા સંભાળી લેશે. અમેરિકાના
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે દેશ-દુનિયાના રાજકીય અને અન્ય ક્ષેત્રના
દિગ્ગજોની ઉપસ્થિતિમાં સજ્જડ સુરક્ષા વચ્ચે રાષ્ટ્રપતિ પદનાં શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન
તેઓ બે બાઇબલનો ઉપયોગ કરશે. જેમાંથી એક તેમનાં માતાએ તેમને ભેટમાં આપેલી બાઇબલ હશે
જ્યારે બીજી લિંકન બાઇબલ હશે.
કડકડતી
ઠંડીનાં કારણે ટ્રમ્પના શપથનો સમારોહ ખુલ્લા આકાશમાં યોજાવાને બદલે યુએસ કેપિટલનાં
રોટુંડામાં થશે. છેલ્લા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને 1985માં આવી રીતે ઈનડોર શપથ લીધા
હતા. એ વખતે પણ અમેરિકાની રાજધાનીમાં હાંજા ગગડાવતી ઠંડીનાં કારણે આવી રીતે આયોજન કરવું
પડેલું. ઉલ્લેખનીય છે કે વોશિંગ્ટનમાં આવતીકાલે તાપમાન શૂન્યથી નીચે રહેવાની આગાહી
છે.
ટ્રમ્પના
ઔપચારિક શપથ સમારોહમાં સંગીત કાર્યક્રમ, ઉત્સવ પરેડ સહિતના અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા
છે. તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે આવતીકાલે શપથ લેવાના છે. તેમનો શપથગ્રહણ સમારંભ
તા.20મીએ બપોરે 12 કલાકે એટલે કે ભારતીય સમયાનુસાર રાતે 10.30 વાગ્યે શરૂ થશે. તેમને
અમેરિકાના ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સ પદ અને ગોપનીયતાનાં શપથ લેવડાવશે.
શપથ
પૂર્વે ટ્રમ્પ આર્લિંગ્ટન નેશનલ સેમેટ્રીમાં પુષ્પાંજલિ અર્પણ કરશે. વોશિંગ્ટન ડીસીમાં
કેપિટલ વન એરિનામાં તેઓ પોતાનાં સમર્થકો વચ્ચે એક મોટી સભા પણ કરશે. ત્યારબાદ કેન્ડલ
લાઇટ ડિનર યોજાશે. સઘન સુરક્ષા કિલ્લેબંધી
વચ્ચે દુનિયાની મહાસત્તાનાં આ શાનદાર સમારોહ
માટે અમેરિકી સમયાનુસાર સવારે પાંચ વાગ્યાથી જ સુરક્ષાની ચકાસણી શરૂ થઈ જશે. સવારે
9.30 કલાકે કેપિટલનાં પશ્ચિમી લોનમાં કેરી અંડરવૂડ તરફથી અમેરિકા ધ બ્યુટીફુલ ગીત સહિતનાં
લાઇવ પ્રદર્શન શરૂ થઈ જશે. દરમિયાન ટ્રમ્પ અને તેમનો પરિવાર વ્હાઇટ હાઉસ પાસે જોન્સ
એપિસ્કોપલ ચર્ચામાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. વ્હાઇટ હાઉસમાં જ બાઇડન અને ટ્રમ્પ
પરિવાર માટે ચાની મિજબાની યોજાશે. બાઇડન સાથે ચાનો કાર્યક્રમ પૂરો થયા પછી ટ્રમ્પ અને
ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ શપથ માટે યુએસ કેપિટલ બિલ્ડિંગ જશે. જ્યાં ભારતીય સમય અનુસાર
રાતે 10.30 કલાકે ચીફ જસ્ટિસ તેમને શપથ ગ્રહણ કરાવશે. રાષ્ટ્રપતિ પદે આરુઢ થયા પછી
ટ્રમ્પ પહેલું ભાષણ કરશે અને આગામી ચાર વર્ષ માટે પોતાનાં શાસનની રૂપરેખા પણ આપશે.
ત્યારબાદ રાષ્ટ્રપતિની પરેડ પેન્સિલ્વેનિયા એવન્યૂથી થઈને વ્હાઇટ હાઉસ ભણી જશે. જેમાં
સૈન્ય રેજિમેન્ટ, માર્ચિંગ બેન્ડ અને સામાજિક અને સાંસ્કૃતિક ઝાંખીઓ સામેલ રહેશે.
રાષ્ટ્રપતિ
પદે ટ્રમ્પનાં બીજીવાર શપથનાં સમારંભ માટે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર, ઈટાલીનાં
પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, આર્જેંટિનાનાં રાષ્ટ્રપતિ ઝેવિયર મીલી અને જાપાનનાં
વિદેશમંત્રી તાકેશી ઈવાયા સામેલ થવાના છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, અલ સાલ્વાડોરના
રાષ્ટ્રપતિ નાયી બુકેલે, બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ ઝૈર બોલ્સોનારો, હંગરીના પ્રધાનમંત્રી
વિક્ટર ઓર્બનને પણ નિમંત્રિત કરાયા છે. ટ્રમ્પના બેહદ નજીક ગણાતા ઉદ્યોગપતિ એલન મસ્ક,
જેફ બોઝેસ, સેમ ઓલ્ટમેન અને માર્ક ઝુકરબર્ગ પણ આ કાર્યક્રમમાં સામેલ થાય તેવી શક્યતા
છે. આ ઉપરાંત પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, બિલ ક્લિંટન, જ્યોર્જ ડબલ્યૂ બુશ
પણ કાર્યક્રમમાં જોડાય તેવી આશા છે.