કોહલીને
ડોકમાં અને રાહુલને કોણીમાં દુ:ખાવો: બીસીસીઆઈની મેડિકલ ટીમને આપી જાણકારી
નવી
દિલ્હી, તા. 18 : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને કેએલ રાહુલે રણજી ટ્રોફી
ન રમવાનો નિર્ણય કર્યો છે. બન્ને ખેલાડીઓએ ઘરેલુ ટૂર્નામેન્ટમાં ન રમવાનું કારણ ઈજા
બતાવ્યું છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસે નિરાશાજનક પ્રદર્શન બાદ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના
સ્ટાર ખેલાડીઓને ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લેવો જરૂરી બતાવ્યો હતો. જો કે કોહલીએ ગળામાં
ઈજા અને રાહુલને કોણીમાં પરેશાનીના કારણે રણજી ટ્રોફી ન રમવાનો નિર્ણય કર્યો છે. બન્નેએ
પોતાની ઈજા અંગે બીસીસીઆઈની મેડિકલ ટીમને જાણકારી આપી દીધી છે. રણજી ટ્રોફીના બીજા
રાઉન્ડની શરૂઆત 23 જાન્યુઆરીથી થવા જઈ રહી છે.
કોહલીને
ડોકમાં દુ:ખાવો હતો અને સિડનીમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી ખતમ થયાના ત્રણ દિવસ બાદ આઠમી
જાન્યુઆરીએ ઈન્જેક્શન લીધું હતું. કોહલીએ બીસીસીઆઈના મેડિકલ સ્ટાફને કહ્યું છે કે તેને
હજી પણ દુ:ખાવો થઈ રહ્યો છે. જેના કારણે રાજકોટમા સૌરાષ્ટ્ર સામે દિલ્હીના મેચમાંથી
બહાર થવું પડયું છે. બીજી તરફ કેએલ રાહુલને કોણીમાં ઈજા છે. જેના કારણે બેંગલોરમાં
પંજાબ સામે કર્ણાટકના મેચમાંથી બહાર રહેશે.
ઉલ્લેખનીય
છે કે ચાલુ અઠવાડિયે બીસીસીઆઈએ તમામ ખેલાડીઓ માટે 10 નિયમોની યાદી જારી કરી હતી. જેમાં
ઘરેલુ ક્રિકેટમાં ભાગ લેવો જરૂરી હોવાનું કહેવામાં આવ્યું હતું. જો ખેલાડી રમવા માટે
ઉપલબ્ધ ન હોય તો પસંદગીકર્તાના રાષ્ટ્રીય અધ્યક્ષની મંજૂરી લેવી પડશે. કોહલી અને રાહુલ
પાસે બાદમાં 30 જાન્યુઆરીથી શરૂ થનારા આગામી મુકાબલામાં ભાગ લેવાની તક રહેશે. જો બન્ને
ફીટ રહેશે તો ઈંગ્લેન્ડ સામે વનડે શ્રેણીથી પહેલા 4 દિવસનો મેચ રમી શકશે.